પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૨
વસુંધરાના વહાલાં-દવલાં
 

નો'તી. આંહી છ મહિનાથી આવી'તી, પણ સીમમાં એક કરગઠિયું નો'તું રે'વા દીધું રાંડે !"

"પણ એ તો ફોડામાં ગારદ થઈ."

"ઠીક થયું. નીકર ખાંપણ વિનાની રે'ત, ને એને કાગડા-કૂતરા ઠોલત."

"એ તો બરાબર, પણ આ આંધીને ક્યાં નાંખું?"

"નાખો ને ઈ જ ફોડામાં, નીકર ભૂંડે હાલે મરશે."

"એનો કોઈ બાપ, ભાઈ, કાકો, મામો છે કે નહિ?"

"કોઈ નો'તો, ને હોય તોય ન વેઠત. દાણા ક્યાં છે મલકમાં? ચાર દા'ડા અમારા ગામની કાઠિયાની બે છોકરાંને ગળે બાંધી કૂવે પડી. એ રિયો કૂવો, હજી ગંધાય છે. બીડી હશે બીડી એકાદી?"

એક નિર્લેપ વર્તમાનપત્રની રીત ખેડૂત આ દાણાના દુકાળની ને મા-બાળકોના આપઘાતની વાત કહી ગયો. એનું મુખ્ય નિશાન બીડી હતું.

"પીધેલી છે, હાલશે તમારે ?"

કહીને મદારીએ કાળા મોંવાળા વાંદરા જેવું ખોખું પોતાના કાન પરથી કાઢ્યું.

"હાલે, વગડામાં સંધુય હાલે. ગામમાં વળી ન પીયેં. આને મારી મારીને થાક લાગ્યો છે એટલે જરા ડિલે કાંટે કરી લેવું છે. બે ફૂંક જેટલો જડદો હશે તોય બસ છે."

બીડીનો દમ ખેંચતા ખેંચતા ખેડૂતે કહ્યું : "તમે દીઠી ઈ બાઈને ફોડામાં ઊતરતી?"

"મેં તો એની ઓઢણીનો છેડો જ દીઠો." મદારી અપરાધીની રીતે બોલ્યો: "પણ મારા ભેલો એક કપાતર છે, એણે ઓ ઓલી રાંડ કેડ સુધી હતી ત્યાં જ દોડીને જોઈ લીધી."

"બડબડિયાં બોલ્યાં'તાં?" ખેડૂતને ધુમાડાનો નશો નવીન જ તૉર આપી રહ્યો હતો.