પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૩
વસુંધરાના વહાલાં-દવલાં
 


"બોલ્યાં તો હશે જ ને? મને આંખે કમ કળાય છે."

"પણ કાને તો સાંભળ્યાં'તાં ને?"

"કાનની વાત કાન જાણે, મારે શું? લ્યો હાલો."

"આ ઢાંઢો ઊભો કરાવતા જાવને, ભાભા? આવ્યા છો તો એટલું કહેવાય છે. તેડવા કાંઈ થોડું અવાત?"

બળદને ઊંચકવાની એ ક્રિયા નકામી નીવડી. બળદ કાંઈ નિર્જીવ કબાટ થોડો હતો કે ઊંચો કર્યે ચાર પાયે ઊભો થઈ રહે? બળદ તો જીવતો જીવ હતો. એ પૂરો ઊંચકાઈને પાછો નીચે પછડાયો.

"આમ કેમ કરે છે?"

"ના, બીજું તો કાંઈ નથી. નખમાંય રોગ નથી. થાક્યો છે ને પાછો ભૂખ્યો છે. બીજું કાંઈ નથી."

મદારી જેવા નિરાશાવાદી વિચારકને પણ ખેડૂતના આ ખુશ ખબરથી જરા મોં મલકાવવું પડ્યું.

"ત્યારે ખવડાવીને પછેં જ હાંકો ને?"

"કાંક તો ગોલો છે. પેટનો જરા મેલો છે. ચાર દીથી અમલદારની વેઠે ગ્યો'તો ને, એટલે માથામાં અમલદારનો પવન ભરાણો છે, બીજું કાંઈ નથી. વેચાતો રાખવો છે? માથે વાંદરાં-બાંદરા બેઠે જાય, ભાર ભરાય, તમે પણ થાકો તયેં ચડો ને? એ મૂળ તો પોઠિયો જ હતો. ટેવાયેલો છે. આ તો અમલદારુંની વેઠ કરવામાં જ અમલદારીનો વા વાયો છે ગધાને, લઈ જાવ; ઠીક પડશે."

"ના ભાઈ, મારે તો હવે જાડાં જણ થઈ ગયાં છે. લ્યો ત્યારે, હવે રામરામ ! છોકરીને હું તો છૂટી મેલી દઉં છું."

“મેલી દેજો. આઇ તો આંધળી છે, પણ પોચેલી છે. ગામની ગંધે ગંધે જ ગામમાં પોગી જાશે. જીવશે એનાં નસીબ હશે તો, ને મારશે તોય મહાસુખ પામશે.”

“થાવું હોય તે થાવ અંધીનું ! આપણે તે કેટલ્લાક ગળે વળગાડશું, ભાઈ !” મદારી ચાલતાં ચાલતાં કહ્યું.