કુટુંબે એક નવા ગામનાં કૂતરાંના ભસભસાટ સાંભળીને જોરથી પગ ઉપાડ્યા.
16
એ આજ કેવડો હોત!
ફુલા વાઘરી સાથેની વાતચીતે પ્રતાપ શેઠના સ્વભાવમાં પહેલો પલટો આણ્યો. ડેલી બહારના ઓટા પર બેસીને દાતણ કરવાનું એણે છોડી દીધું. ડોકમાં સોનાની સાંકળી, બાવડા પર સોના-કડું અને બે આંગળીઓ પરથી સૂર્યનાં કિરણો સામે તેજની કટારો ખેલતી હીરાની વીંટી : એ ત્રણે ચીજોનું દેવ-મંદિર જાણે કે અદૃશ્ય બન્યું. ગામલોકોની આંખોમાં ગલીપચી કરતા પ્રતાપ શેઠના પેટ પરની વાટા પણ વિદાય લઈ ગયા.
ગામમાં કયા કયા ગરાસિયાને ઘેર દાણાની અછત છે ? તપાસ કરાવી કરાવીને એણે બબ્બે મણ બાજરો છાનોછપનો પહોંચાડવા માંડ્યો. કોઈ દિવસ નહિ ને પહેલી જ વાર એણે પોતાને ઘેર પંખીનાં પાણી-કૂંડાં બંધાવ્યાં.
" શું થયું તે શેઠિયો મોળો પડ્યો જાય છે ? " ગામ-ચોરે અફીણ વિના ટાંટિયા ઘસતા ગરાસદારોમાં ચણભણાટ ચાલ્યો.
" રાજ સાથે બગડી લાગે છે. "
" વાણિયાઓને માથે રાજની ભીંસ થાતી આવે છે ને ? "
" બબ્બે મણ બાજરો ખવડાવીને આપણી જમીનો કાયમને માટે ખાધા કરવાની દાનત છે ભાઈ, વાણિયાને આપણે ઓળખતા નથી ! "
જૂની બટાઈ ગયેલી ગંજીઓ જેવા આ ગરાસિયાઓ : કીડાઓએ કરકોલી ખાધેલો એ જમાના-જૂનો સામાજિક કાટવળો- એની અંદર આ ઊંધી કલ્પનાએ એક તિખારો ચાંપી દીધો. પહેલી જ વાર એમની