રાણી સાહેબની રિજન્સી-કાઉન્સિલ નીમી. પ્રમુખ રાણી સાહેબ ને ઉપપ્રમુખ એક અંગ્રેજ. અંગ્રેજ ટૉડનું રાજસ્થાન વાંચીને આવ્યો હતો ને ફારબસ સાહેબની રાસમાળા ભણ્યો હતો. ક્ષત્રિયોનાં પ્રેમશૌર્યની પ્રાચીન તવારીખને સજીવન કરવાના એના કોડ હતા ? કે ઉજળિયાત મુસદ્દીગીરીનાં મૂળિયાં જ ખેંચી કાઢવાની એની મતલબ હતી ? એ વિષે મતભેદો હતા, રાજના દરિયામાં મોતી પાકતાં ને મુગલ શાહજાદા દારાના આગમનકાળે આંહીં એક સોનાની ખાણ હતી - એ બે વાતોનાં જૂનાં દફતરોની એણે ફેંદાફેંદ માંડી ને દરિયો સુધરાવવાની માતબર યોજના એણે રાણી સાહેબ પાસે મૂકી. એ ત્રણે સાહસોના નિષ્ણાતો, સાધનો ને યંત્રો એક ઇંગ્લેન્ડની ધરતી સિવાય કોઈને પેટે પાકતાં નથી એવી દૃઢ માન્યતા એણે રાણી સાહેબના દિલ પર ઠસાવી દીધી. ગામમાં વાતો ચાલી કે ગોરાનાં બુલંદ કમિશનો મુકરર થયાં છે. જૂના દિવાન સાહેબોએ જાહેરમાં રાજના બરબાદ ભાવિ પર નિશ્વાસ ઠાલવ્યા, ને ખાનગીમાં એકબીજાનાં હૈયાં ખોલ્યાં કે આપણેય ખાધું છે, એય ખાશે, કોઈએ કોઈનાં છિદ્રો તપાસવાની જરૂર નથી.
ગોરાનો ઈષ્ટ પ્રદેશ નિરંતરાય બન્યો, પછી ગોરાને રાણીસાહેબના પ્રદેશમાં માથું મારવામાં પોતાનો અધર્મ સરજાઈ ગયો. રાણી સાહેબનો પ્રદેશ કુંવરના મોસાળને હાથ પડ્યો. ' મામા સાહેબો 'એ મરહૂમ ઠાકોર સાહેબની શાણી નીતિનો સવાયો અમલ આદર્યો. રાજની નોકરીઓમાં નર્યાં સાફાનાં પચરંગી છોગાં ફરકવા લાગ્યાં. એ રજપૂતીની પતાકાઓએ ગામગામના શ્રીમંત શેઠિયાઓને પોતાના દિવસ પણ પૂરા થયાની લાલ ઝંડી દેખાડી. પીપરડી ગામના રજપૂત-રમખાણોમાં પ્રતાપ શેઠે એ રાતી ધજાનું દર્શન કર્યું. આ સાહેબી તૂટશે : તૂટતાં તૂટતાં બેશક એકાદ દસકો તો લાગવાનો. એ દસ વર્ષ નવી તૈયારીની પૂરતી મહેતલ આપી રહે છે. એ મહેતલ વાણિયાના પુત્ર માટે પૂરતી કહેવાય. ઇતિહાસના કારમા યુગ-પલટાને પાર કરતો કરતો વૈશ્ય આજ સુધી મોજૂદ રહ્યો છે, કેમ કે એણે પરિવર્તનોને પિછાન્યાં છે, ને પરિવર્તનોમાં બંધબેસતું ચક્ર બની