પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૮
વસુંધરાના વહાલાં-દવલાં
 


17

સેક્રેટરી


લાલકાકા ' બૈરું ' લાવ્યા તે વાતને ત્રંબોડા ગામમાં એક દસકો વીત્યો છે, પણ ગામમાં પ્રવેશ કરતી વેળાની લાલકાકાની મનકામના ફળી નથી. ' જોઈ રાખો દીકરાઓ; તમારા ઘરેઘરને વટલાવી મારું ! ' એ હતી લાલકાકાની વૈર-વાંછના.

આજ દસ વર્ષથી ' ચંપાભાભુ ' અથવા ' ચંપાકાકી 'નું વડીલપદ પામેલી જુવાન તેજુ કોઈ સગાને ઘેર જમવા કે રાંધવા ગઈ નથી. ન્યાતના જમણવારા એણે ત્યજ્યા છે. આવ્યાની પહેલી જ સાંજે એણે સંબંધીઓનું નોતરું એમ કહી પાછું ઠેલ્યું હતું કે ' હું મરજાદી માબાપને ઘેર ઊછરી છું, ને આટલી મરજાદ પાળવા માગું છું કે મારી ખીચડી મારે હાથે જ ચડાવી લઈશ. તમારા કાકાને સુખેથી જમવા લઈ જાવ. '

" રમવા-જમવા જેવડી કોડભરી વહુવારુને વળી આવા મરજાદ શા, ભાભુ ? " ભત્રીજાઓએ અને ભત્રીજા-વહુઓએ આવીને પગે હાથ નાખ્યા.

" ના બેટા, માબાપના ઘરનું નીમ તો નહિ છોડું. સંસાર સ્વામીનો ને ધરમ માવતરનો. "

લાલકાકા તો આભા જ બની ગયા. રાત પડી. એણે તેજુને એકાંતે પૂછ્યું : " આ શું આદર્યું ? ક્યાં માવતરનો કુળધરમ ? "

" બાપે પોતે જ પાળેલો ને પળાવેલો. એણે મને તો નથી કહ્યું, પણ એ તાવમાં લવેલો, કે બાઈ, તારા બાળનું ઓતમ ખોળિયું હું નહિ અભડાવું. કોઈક મરણના શ્વાસ લેતી સ્ત્રીને એણે આ કોલ દઈને મોંએ પાણી આપ્યું હશે એમ મને લાગે છે. વાત તો સાંભરતી નથી, પણ હું મોટી થઈ ત્યારથી એણે મારો ચૂલો અભડાવ્યો નથી. મારા લજ્ઞની વાત નીકળતી કે તુરત એ દંગાઓમાંથી રાત લઈને ભાગતો. એનું શીખવ્યું હું આજ શીખતી નથી, પણ મારા લોહીમાં એ વાત મળી ગઈ