પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૦
વસુંધરાના વહાલાં-દવલાં
 

ઉનાળાની બળબળતી લૂનો માર્યો છાશ છાશ કરતો હશે તેને તો ક્યાંથી આપતાં હશે ? એને મોંએ છાશ કેવી રીતે પહોંચાડું ?

તેજુની વિદ્યા ખોટી હશે કે સાચી ? પણ એ વિદ્યા આ હતી : ગામપરગામનાં તરસ્યાંઓને હું જ છાશ પાઉં, એ વાટે મારાને મોંએ પરભુ પહોંચાડશે, ને નહિ પહોંચાડે તોપણ મારું શું જવાનું છે ? જનારું તો ગયું જ છે ના ! દૂઝણાની પળોજણમાં દા'ડો તો નીકળશે.

" એક ભેંસ બાંધશો આંગણે ? " એણે લાલકાકાની પાસે વાત મૂકી.

" રૂપિયા ક્યાંથી લાવું ? એકાદ દાગીનોય જો રહ્યો હોત તો વટાવી કાઢત. ધંધામાં તો કસ નથી. "

તેજુએ પોતાની વિદ્યા યાદ કરી જોઈ. ન્યાતની નાનકડી છોકરીઓ તો આવી આવીને માથું ખાઈ જતી કે, ભાભુમા, તમારી છાતીએ છે એવાં છૂંદણાં ક્યાં છૂંદાવીએ ? પણ એ કસબ ઉપર તો પાણી મૂકેલ છે. વાણિયાની કુળવધૂ એ કસબ કરે તો ક્યાંક ઉઘાડી પડી જાય.

બીજો કસબ એને યાદ આવ્યો. એ પણ સોયનો જ કસબ હતો. જે સોય જીવતાં માનસોના દેહ ઉપર ફૂલ-વેલ્યો ને મોરલા-પોપટ ચડાવી શકતી તે સોય કાપડનાં નિર્જીવ કટકા માથે પણ જીવતું જગત હીરને દોરે સરજાવી શકતી. હીર ન હોય તો ઊતરેલાં લૂગડાંની કટકીઓ પણ કામ આપી શકે. બ્રહ્મા જેવો દેવ માટીના લોચામાંથી રૂડાં હાલતાં-બોલતાં માનવી નિપજાવવા બેઠો છે, એને કાંઈ ઓછી વપત પડતી હશે ? નાક, કાન ને હોઠના કટકા માપીને માપીને કેવાં ચોંટાડે છે બેઠો ! રૂપરૂપની પૂતળીઓ મેલે છે માતાઓના ઉદરમાં. લાંબા દા'ડા અમસ્થા ખેંચતો હશે બાપડો એ સદાકાળનો રાંડેલો !

ઘરમાં તપાસ્યું. ત્રીસ-ચાળીસ વર્ષથી જે ઘરમાં સ્ત્રી જેવું કોઈકુટુંબીજન નહોતું તે ઘરમાં રંગીન કપડાંના લીરા પણ ક્યાંથી હોય ? તેજુએ દૂધ વેચવા આવનારી મહિયારીઓ પાસેથી બે-પાંચ ગાભા મગાવી લીધા.