પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૨
વસુંધરાના વહાલાં-દવલાં
 


" કેમ, લાલકાકા ! " કહેતાં એક જુવાને આવીને એક દિવસ ટેકણ માંડ્યું.

" ઓળખો છો કે ? " મોં વકાસી રહેલા લાલકાકાની સામે એની આંખો નાચી રહી.

એની સિગારેટના ધુમાડાએ એની ને લાલકાકાની વચ્ચે એક પડદો કરી નાખ્યો હતો. એ ધુમાડાના પડદાને પોતાના હાથ વતી બાજુએ કરી નાખવા મથતાં મથતાં લાલકાકાએ નિહાળી જોયું.

" ક્યાંઈક દીઠો તો જણાય છે. આપ...મામલતદાર સાહેબ..."

છટાદાર અને ચમકદાર પ્રત્યેક પુરુષ અમલદાર જ હોઈ શકે એવી મૂંઝાયેલી મતિવાળા લાલકાકાને જુવાને પોતાની ઓળખ આપી.

" હું રસિકચંદ્ર, તમે મને ભૂલી ગયા છો-ભૂલી જ જાઓ ને ! "

" ક્યાં હતા, ભાઈ ? "

" હું પાંચ વર્ષથી પરદેશ હતો. "

" શા કામ માથે ? "

" હું સેક્રેટરીનું જ કામ કરું છું. એ મારી સ્પેશ્યાલિટી- એટલે કે મારી ખાસ તાલીમ છે. "

" સારું ભાઈ, હું રાજી થાઉં છું, બેસો ને ! "

" અમારું કામ, કાકા, પૂજારીનું છે. તમારાં દેવસ્થાનોમાં દેવ હોય, હજાર વર્ષ સુધી પથ્થરરૂપે પડી રહેવાના. પણ પૂજારી જડે તો ? તો ત્યાં તીર્થસ્થાન ખડું કરી આપે કે નહિ ? "

' તીર્થસ્થાન ' શબ્દ લાલકાકાને હવે બહુ પ્રિય નહોતો રહ્યો.

" આ નમૂનો તમારી દુકાનનો ? " કહેતાં એણે લાલકાકાની સામે એક કાગળ પરનું ચિત્ર ધર્યું, એ કાગળમાં એક ભરતકામની આકૃતિ હતી.

" હા, લાગે છે તો અમારો જ. "

" હો ! હો. " જુવાને નિઃશ્વાસ નાખ્યો : " શી વાત કરવી દેશના હુન્નર-ઉદ્યોગની ! દેવસ્થાનો છે, પણ પૂજારીઓ ક્યાં છે ? "