લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૩
વસુંધરાના વહાલાં-દવલાં
 


" પૂજારીની શી વાત કરો છો, ભાઈ ? "

" તમે જાણો છો, આ નમૂનો મને ક્યાંથી મળ્યો છે ? "

" હું શી રીતે જાણું ? "

" આ નમૂનાના ભરતકામની આજ કેટલી જરૂર પડી છે તે તમે શું જાણો ? શા માટે પાણીને મૂલે કાઢી નાખો છો ? કારણ કે તમારી પાસે કોઈ સેક્રેટરી નથી. આ જુઓ પેલો જોગી પાંચ પગાળી દેવ-ગાયને લઈ હાટડે હાટડેથી આ પૂજાના પૈસા ઉઘરાવે છે. એનું નામ સેક્રેટરી. પાંચ પગ એ તો ગાયનું કુલક્ષણ ગણાય, પણ સેક્રેટરીએ એ અપલક્ષણને ઈશ્વરનો ખાસ ચમત્કાર મનાવ્યો છે. "

લાલકાઅ તો આ વાક્‌છટાથી ચકિત બની રહ્યા.

" આ દુકાનનો ફોટો પાડી લ‌ઉં તો તમને વાંધો નથી ને ? મારે તમને સુપ્રસિદ્ધ કરવા છે. "

" રે'જો, હું લગાર કપડાં પહેરી લ‌ઉં. "

" નહિ નહિ, જેવા બેઠા છો તેવા જ બેસી રહો. "

ને રસિકચંદ્રે ક્યારે કેમેરો કાઢ્યો, ક્યારે ચાંપ દબાવી તે સમજ્યા વિના લાલકાએ ફક્ત રસિકચંદ્રનું ' થેંક્યુ ' અને રસિકચંદ્રનુંબંકી મરોડવાળું ઝૂકવું જ જોયું. રસિકચંદ્રે વાગ્ધારા ચલાવી : " આપણા લોકોને ધંધો કરતાં આવડતો નથી. બહુ બહુ તો તે છાપામાં જાહેરાતો છપાવે છે. આપણને આપણી જ કિંમત કરાવતાં આવડતી નથી. આપણી સ્ત્રીઓ ધૂળમાંથી ધાન કરીને બતાવતી તે આપણે ભૂલી ગયા માટે જ આ કંગાલિયત ફાટી નીકળી છે. અમેરિકાના જગત-પ્રદર્શનમાં હું આપણા ચિત્રોડા ગામના ભરવાડને તેડી જઈ એની બાર બાર ફીટ લાંબી મૂછો બતાવી આવ્યો. એમાં મેં એને ન્યાલ કરી નાખ્યો. એ બેઠો ચિત્રોડામાં. જોઈ આવો, ગાયો, ભેંસો ને ઘેટાંની લપ જ જતી રહી એની જિંદગીમાંથી ! "

લાલકાકાએ એક સમૃદ્ધ વૃદ્ધાવસ્દ્થાની હરિયાળિ કલ્પના કરી. આ જુવાન પર એનું દિલ ઝૂક્યું.