પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૪
વસુંધરાના વહાલાં-દવલાં
 

" તમારા કસબનું આજે ' પ્રોપર પ્રિઝેન્ટેશન ' નથી, એટલે કે એને કોઈ સફાઈથી રજુ કરનાર સેક્રેટરી નથી. તમારા એક બે નમૂના મારા હાથમાં આવ્યા ત્યારથી હું એ જ ચિંતા કરું છું. "

" કેમ કરીએ તો સારું થાય, હેં ભાઈ ? " લાલકાકાએ વધુ જીવ પરોવ્યો.

" નો હમ્‌બગિંગ ! મારે કાંઈ લોકોને આ પરભુની ગાયવાળા બાવાની પેઠે ઇંદ્રજાળમાં નથી ઉતારવા. દેશની સમૃદ્ધિ ને સંસ્કારમયતા જ હું અજવાળે આણવા માગું છું. મને તમે જો આટલી મંજૂરી આપો, મારાં કાકીની તેમ જ એ જે સોયદોરાથી કામ કરે છે એની પણ એક છબી પાડવાની, તો હું તમારું કામ હાથ ધરું. "

" પણ એ માનશે નહિ. " લાલકાકાએ મુશ્કેલી ધરી.

" તમારે એને કશું જ કહેવાનું નહિ. હું એને સમજાવી લઈશ. "

પહેલાં તો લાલકાકાના હૃદયે આંચકો ખાધો. પણ લાલચ જબરી હતી. વળી આજ સુધી અંધકારમાં જ પડી રહેલ તેજુને મુલક-મશહૂર બનાવવાનો આ સુયોગ હતો. લાલકાકા રસિકચંદ્રને પોતાના ઘરે લઈ ગયા.

" જુઓ, બહેન ! " રસિકચંદ્રે કેમેરો કાઢતાં કહ્યું : " તમે ગભરાશો નહિ. હું તમારી કરીગરીને યોગ્ય ન્યાય અપાવવા માગું છું. અમે તામારી છબી પાડવા આપશો ? ને તમે આ કસબ કયા પ્રદેશમાંથી, કોની પાસેથી, કેવી રીતે હાથમાં કર્યો તેની મને એક ટૂંકી જ હકીકત લખાવશો ? "

તેજુને ગભરાટ છૂટ્યો. આ કોઈ નવું તર્કટ રચાતું લાગે છે. મારો પત્તો મેળવવાની કોઈ પેરવી ચાલી રહી છે કે શું ?

" ભાઈ, મારી પાસે કાંઈ કહેવા જેવું નથી, ને મારા મોંમાં શું બળ્યું છે ? "

" તમે ભૂલો છો, બહેન ! " સેક્રેટરી રસિકચંદ્રે સમજ પાડી : " પાંચ જ મહિના થયા, બહેન પાંચ જ મહિના. જંગલમાં હેરાન હેરાન ફરતાં'તાં,