પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૯
વસુંધરાના વહાલાં-દવલાં
 

પોતે જ્યારે જ્યારે કહેલું કે માથું-પગ દાબી દઉં, કાકા ? ત્યારે ત્યારે એણે જુનવાણી વાર્તામાંથી જવાબ ટાંકેલો કે, ના દીકરી, બ્રહ્મા જેવો સરજનહાર પણ સગી દીકરીના દેહ માથે લપટાઈ ગયો હતો. હું ક્યાં બ્રહ્મા છું ? આપણી દેહના આપણને શા ભરોસા ?

થાકીપાકીને લોથ થઈ જવાને માટે તો એણે આ ઉંમરે પણ ભરતકામ વેચવાનું નિમિત્ત બતાવી ફરતાં ગામોમાં ફેરી કર્યા કીધી હતી.

આ બધું શા માટે ? સમાજમાં પોતાને આબરૂદાર ગૃહસ્થી તરીકે ઓળખાવું છે ને પોતાને ' બૈરું ' ન જ મળે એવી તકેદારી રાખનારી ગામની ચંડાળ-ચોકડીની આંખમાં રાઈ આંજવી છે - બસ તેટલા જ માટે !

એ જ માણસને પડતો મૂકીને તેજુનું મન રૂપનગરની કોઈ અજાણી રંગભૂમિની વાટે દોડવા લાગ્યું.

" તારા મનને ખાતરી કરાવવી છે ? તો ચાલ, હું તારી જોડે આવું," બુઢ્ઢા ગામડિયાના હૃદયમાં પ્રભુતા સોળે કળાએ પ્રકાશી ઊઠી. " ઋપનગર આંહીંથી ક્યાં છેટું છે ? આપણે બેઉ જણાં જઈ આવીએ. એ તારો જ હોય, ને જો સુખસાયબીમાં પડ્યો હોય, તો પછી તને શો વલોપાત રહેવાનો છે ? ચાલ, આપણે એનો ખેલ જોઈશું. પેલો કહી ગયો કે વૈશાખી પૂર્ણિમાનો એનો મોટામાં મોટો ખેલ છે. "

રૂપનગર નજીક જ છે ? તેજુને એ વાતનો આનંદ ઊછળ્યો. આનંદનો એ જુવાળ વળતી જ પળે પાછો વળ્યો ને ધાસ્તીના અગાધ સાગરમાં એનાં ફીણ ભટકાઈને ભાંગી ગયાં. ગામડિયો વ્યાપારી જનેતાના પાગલ કલેજાને પિછાનતો નહોતો. છોકરો પોતાનો જ છે એવી ભ્રાંતિ માત્ર પણ દસ વર્ષના સંયમની ભેખડોને ભાંગી-ફોડી બહાવરી બનશે, લોકોની મેદની વચ્ચે માતૃ-હૃદયની ઘેલછાના તરંગો ભુક્કો કરી નાખશે, ત્યારે આ વાણિયો ત્રંબોડા ગામમાં પગ મૂકતાં પહેલાં મરવું ભલેરું માનશે. મરજાદના વ્રતનિયમો ઉપાસતું લાલકાકાનું બૈરું તો મારું દીચરું સંસારમાં