પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૦
વસુંધરાના વહાલાં-દવલાં
 

એક પંદર વરસનો દીકરો ફેરવી રહ્યું'તું એવી લોક-હાંસી વાણિયાને આટલાં વર્ષે જિંદગીમાંથી રદબાતલ કરી મૂકશે.

તેજુની નજર સામે સરખામણી ઊગી; પ્રતાપ શેઠે મારું ખોળિયું અભડાવીને આબરૂને ખાતર નરકમાં ફગાવ્યું. આ વાણિયાએ મારા આત્માને પોતાની લોક-આબરુનું નિર્મળ ઢાંકણ કરી સાચવ્યું. આજ મારું માતૃ-હૃદય એની નાની-શી આબરૂને પોતાના ગાંડાતૂર પૂરમાં ઘસડી જતાં વાર નહિ લગાડે. રૂપનગરની હવાનાં પરમાણુઓ પણ ન પહોંચે તેટલા દૂર નીકળી પડો. ચંપા વાણિયાણનું નામનિશાન પણ ન રહે. મારો બાળ જીવતો છે. ચકલાંને પાયેલું પાણી એને મોંએ પહોંચી ગયું છે. ઇજ્જત અને આબરૂના સિંહાસન પર એની પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. એ પ્રતિષ્ઠાના તખ્તને આબરૂહીન માતાના અધિકારની માટી ન લાગજો.

ના, ના, જઈને એક વાર જોઈ તો લઉં. મારો હશે તોય ઓળખાણ નહિ આપું. મારો નહિ હોય તોય મારો સમજી મનને છેતરી લઈશ. હવે મન ધીરજ નહિ માને.

" ના...રે ના ! " એણે પૂર્ણ શાંતિથી બુઢ્ઢાને કહ્યું : " ઠાલો મફતનો ઉધામો ચડ્યો હતો એ તો. તમે ગભરાશો નહિ. તમે સાચું જ કહો છો. રૂપનગરનો એ નટરાજ મારો છોકરો ન હોય- કદી ન હોય. હું તો ઘેલી થઈ ગઈ'તી."

પછી તે રાત્રિએ જ્યારે પોતે ચાલી નીકળી ત્યારે એણે જોઈ લીધું : વાણિયો પથારીમાં બેઠો બેઠો પોતાના જ પગની ચંપી કરતો હતો. એની પોતાની જ મુક્કીઓ એના સુકાયેલા પગની પિંડીઓ ઉપર ટપાકા બોલાવતી હતી.

ચાલી નીકળતાં પહેલાં એણે ઓસરીની કોર પર એક પાણી ભર્યો લોટોઇ, લોટામાં લીલું દાતણ અને દાંતે દેવાની છીંકણીની નાની શીશી ગોઠવી દીધાં. પાથરણું પણ પાથર્યું. ચોગાનમાં નાહવાનો બાજઠ અને પાણીનું દેગડું ધર્યું, પાથરણાની બાજુમાં માળા મૂકી દીધી.