પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૨
વસુંધરાના વહાલાં-દવલાં
 

જેમ દવા રેડી તેમ તેમ રોયો તાવ ભોરિંગ જેવો સામો જ થતો ગયો. છેક પરમદા'ડે ચંપાભાભુ આયાં ને એક જાપ શિખાડ્યો. શો જાપ, જાણો છો ?

જગ આખાના બેટા-બેટી
એની સૌની અલાબલા
મારે માથે ! મારે માથે ! મારે માથે.

" આ બસ, એ જાપ માંડી જપવા હું તો, ને મારા છોકરાનો તાવ ઊતર્યો. તે હું ચંપાભાભુને પગે લગાડવા આવી છું, ક્યાં ગયાં ? "

" એ તો કાલે રાતે મહિયર ગયાં." લાલકાકાએ જીભે ચડ્યો જવાબ વાળ્યો.

" કેમ એકાએક ? મહિયરમાં તો કોઈ કરતાં કોઈ નહોતું કહેતાં'તાં ને ?"

" એના માવતરની ઘરવકરી એને રાજ પાછી સોંપે છે એવો તાર આવેલો."

" વારુ, હવે તો ક્યારે આવે ને ક્યારે પાય લગાડું. અરે... રે ! પારકા છોકરાની અલબલા ઉતારનારાં બાપડાં ચંપાભાભુનો ખોળો જ ના ભરાયો તે ના જ ભરાયો ? ઈશવર પણ ઘેલો છે ને કાકા ! ન જોઈતાં હોય એને આંગણે ઢગલા કરે, પણ આવા ભગવતીનો ખોળો જુઓ તો ખાલી ને ખાલી ! "

કહેતી કહેતી પાડોશણ ચાલી ગઈ ત્યારે લાલકાકાની આંખો સામે બ્રહ્માંડ ચકર ચકર ફરતું હતું. એણે રૂપનગરની વાટ લીધી.