પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૪
વસુંધરાના વહાલાં-દવલાં
 



જૂજવી રંગબત્તીઓ ગોઠવવામાં ને હસતા કુમારના હોઠની તેમ જ અંધકુમારીની નયન-કીકીઓની ચિત્રરેખાઓ દોરવામાં દિવસ-રાત મશગૂલ હતા. ગધેડાને કેવા શણગારો સજાવવા તે સમજવાને માટે પુરાતત્ત્વનાં પુસ્તકાલયોની ફેંદાફેંદ ચાલી રહી હતી. અંધ બાલિકાનાં ' જિપ્સી ' ગીતો ઝીલવા એક સમૂહ-વાદ્ય ( ઓરકેસ્ટ્રા ) પોતાના સૂરો સાફ કરતું હતું.

રૂપનગરનું વર્તમાન જીવન મિલોના ધુમાડાથી અને જીવતાં માનવૂને શેકી નાખનાર તાપથી ભરપૂર હતું. રૂપનગર જીવનમાં મરતું હતું ને કલામાં જીવતું હતું. કલા એ જ જીવન છે ને રોટી એ જ કલા છે : કલા રાજકારણનો આત્મા છે ને ક્રાંતિની જનેતા છે : કલા તે પ્રચાર છે ને પ્રચાર તે કલા છે : સાચી કલા પીડિતોની છે ને સાચી પીડા કલાહીન કલેજાંઓની છે : અવાં આવાં સૂત્રો રૂપનગરને જીવતા રહેવાનો હક્કા પૂરો પાડતાં. રૂપનગર સાચેસાચું જીવતું હતું કાં ભાવિમાં ને કાં ભૂતકાળમાં. વર્તમાનકાળ રૂપનગરને માટે ગેરહાજર હતો.

મદારીને, ઝંડૂરને, અંધીને, વાંદરાને, રીંછણને અને ગધેડાને રૂપનગરથી પાંચેક માઈલ છેટે એક અજાણ્યા સ્થાનમાં રાખવામાં આવ્યાં હતાં, કેમકે નગરમાં એની મુલાકાત શોધનાર અખબાર-નવેશો તેમ જ એના હસ્તાક્ષરો માટે ટોળે વળતા જુવાન કલારસિકો એનો જીવ કાઢી નાખે તેવાં હતાં. નાટકની વાર્તા રચાઈ ગઈ હતી, એના પહેલાં જ દૃશ્યમાં જિપ્સી સંસ્કૃતિનો પ્રતિનિધિ ગધેડો લાવીને ઊભો રાખવાનો હતો. પણ એ ગધેડો અર્વાચીન ઓલાદનો ન ભાસે તેની ચોકસાઈ રાખવાની હતી. એના કાન કેટલી પહોળાઈએ રાખવા જોઈએ ? એનું પૂંછડું વળેલું રાખવું કે સીધું સોટી સરખું ? એના ભૂંકણની સાથે કયા વાજિંત્રના સૂર બંધબેસતા બનશે ? આવા જટિલ પ્રશ્નોનો નિકાલ લાવવા કલાકારોની સમિતિ સ્થપાઈ ગઈ હતી.

'આમાં અજંટાની કલાવાળાઓનું કામ નથી.' એક કલાકાર બીજાની સામે વાંધો લેતા હતા.