પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૬
વસુંધરાના વહાલાં-દવલાં
 

હલવાથી ચાલ્યા જતાં, જતાં ને આવતાં. મદારીનું જ ચાવવું બહુ ખરાબ કકડાટી કરતું હતું. માથું ઊંધું ઘાલીને પડેલી ' હેડમ્બા ' એ અવાજ બંધ કરાવવા માટે જ જાણે ઘૂરકતી હતી.

ભોગાવાના પટમાં નજ્ઞ ઊભી ઊભી ' મા ! મા ' પુકારતી અંધી આજે જુવાન ' બદલી ' બની હતી. એના માથા પર છાતી નીચે ઢળતા વાળ હતા. એનું શરીર ભરાતું આવતું હતું. કોઈક મુસલમાન કુટુંબે ખેરાત કરેલી લીલી ઈજાર હતી. તે ઉપરનું કુડતું એના શરીરને માત્ર ઢાંકતું નહોતું, કિસ્તીના શઢની પેઠે લહેરાતું હતું. બોલતા ઝંડૂરના હોઠ પર આંગળીનાં ટેરવાં મૂકીને એ વાતો સાંભળતી હતી.

" બદલી, રાત મીઠી છે. બયાન કર જોઉં. "

"રાત મીઠી છે, ચાંદ ચડ્યો છે. નદી વહી જાય છે."

" તું જૂઠી છે. કાં તારી પાસે છૂપી આંખો છે, ને કાં તું પઢાવ્યું પઢે છે. તને ચાંદ દેખાય છે ?"

" હા."

"કેવો દેખાય છે ? "

"તારા મોં જેવો. "

" નદી કેવી ? "

" તારા બોલ જેવી. "

" મા યાદ આવે છે ? "

" માને તેં છુપાવી છે. "

" બદલી, તું આંખો વગર કેમ આટલું બધું સમજે છે ? "

" આંખો છે. તને જોઉં છું ; નદીને, ચાંદને, બધાને જોઉં છું. "

ચાંદનીના પ્રકાશમાં બદલીનાં નેત્રોનાઅ તારા ટમ ટમ થતા હતા.

"કાલ તો મોટો તમાશો છે, બદલી ! "

" મને નથી ગમતું. "

"લોકો તારાં ગીતો ને આપણા નાચ જોવા તલપે છે. "

" કાલે હું ગીતો ભૂલી જવાની, એવું લાગે છે. અત્યારથી જ મને