પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૭
વસુંધરાના વહાલાં-દવલાં
 

યાદ રહેતાં નથી. "

" આટલી વાર ગાયાં છતાં પણ ? "

" મારી આંખો પર ગરમ ગરમ રસ રેડતા'તા આજે. "

" ગાંડી, એ તો રંગબેરંગી રોશની હતી. "

" મારે તો એ અંધારું હતું. તને જોઈ નહોતી શકતી. મારા પગ તાલ ભૂલતા હતા. હું તાલ ભૂલીશ તો તું દોર પરથી પડી જવાનો. "

" આપણે ભાગી જશું, બદલી ? "

" કેમ ? "

"બુઢ્ઢો આપણને છોડી તો નહિ જાય ? "

" શા માટે ? "

" બુઢ્ઢાએ આજ વાંદરીનું બચ્ચું વેચી નાખ્યું. મને બીક લાગે છે. આપણને પણ એ વેચે તો ? "

" આજ કોઈ બુઢ્ઢા જોડે વાત કરતું'તું. "

" શાની ? "

બદલી ચારે બાજુ મોં ફેરવી નાકની હવામાં ગંધ સૂંઘવા લાગી.

" આંહીં કોઈ નથી. " ઝંડૂરે કહ્યું.

" કોઈક આપણને જુએ છે. મને ગંધ આવે છે. "

" ધીમે ધીમે કહે - કહી દે. શાની વાત કરતું'તું ? "

" મને આપી દેવાની. "

" કોને આપી દેવાની ? "

" કોઈક તમાશાવાળાને. "

" બુઢ્ઢાએ હા પાડી ? "

" ઘડીક ના ને ઘડીક હા પાડતો હતો. સિનેમાવાળો ઘણા બધા રૂપેલા દેવા કહેતો હતો. "

" તને જવા દિલ હોય તો સારી વાત છે, બદલી ! "

બદલીએ ઝંડૂરના હોઠ પર ફરી વાર આંગળાં ફેરવ્યાં, ને કહ્યું : " મને મેલી જા ! "