પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૯
વસુંધરાના વહાલાં-દવલાં
 

ધરતી સળવળીને આપણને એના પંજામાં પકડી લેશે. ભાગો, ધરતીનો ઇતબાર નહિ. યાદ કરો, ધરતી જ બદલીની માને પેટમાં ઉતારી ગઈ, ધરતી મગરની મા છે. ઢેઢગરોળીની દાદી છે, અજગરની સાસુ છે, જલદી ઉપાડો પગ, ધરતીને માથે જબરી ડાફો ભરતા ચાલો. એકેય કદમે એનો ઇતબાર ન કરો. એ ફાટે તે પહેલાં જ કદમ ઉઠાવી લ્યો. ચાલો બદલી, ચાલો ઝંડૂર, મારે તમને હજી કેટલાંય ગાન ને કેટલાય નાચ-ઠેકા ભણાવવાનું બાકી છે. ઇલમને પેટમાં રાખીને મારે નથી મરવું. ચાલો, આ હવા ઝેર છે. "

એક નાના માંકડા સિવાયનું આખું મદારી-કુટુંબ શહેરની ધરતીમાંથી સરી ગયું. તેમણે રાત લીધી. ગામડાંની વાટ છોડીને નદીનાં કોતરો સોંસરી આડી વાટ ઝાલી. ફરી વાર એ ચોર બન્યો. એણે શહેરી કલાસમરંભની થોડી સિગારેટો ફૂંકી હતી. એ રીંછણ જોડે બાથંબાથી કરીને થાક્યો ત્યારે એણે દારૂની એક એક એક પ્યાલી માગી હતી. એ દારૂનાં ને ધુમાડાનાં રજકણો પણ પેટમાંથી ઓકી કાઢવાનું એને દિલ થયું. નદીનાં નીરમાં ચાંદનીના ભર્યા દરિય્તાવ પર તરતાં માછલાં જેવાં એ સ્વજનો ક્યાં સરી ગયાં તેની ભાળ કોઈને લાગી નહિ. બદલીનો હાથ ઝંડૂરના ખભા માથે હતો. એ ખભો જ જાણે એની આંખ હોય તેમ બદલી પથ્થરો પર ને ભેખડોમાં દોડતી હતી. એને જરીક શંકા પડતી તો એ ઝંડૂરને હોઠે હાથ ફેરવી લેતી.

વળતા પ્રભાતે વૈશાખી પૂર્ણિમાના સમારંભકોની એને ટિકિટો પાછી આપી પૈસા માગવા આવનારાઓની વચ્ચે સંગ્રામ થયો, ને વૈશાખી પૂર્ણિમાનો ચંદ્ર સોળે કળાએ ઉદય પામ્યો.

તેજુ રૂપનગરમાં પહોંચી ત્યારે માત્ર દીવાલો પર હસતા ઝંડૂર અને અંધી બદલીનાં પોસ્ટર પણ અરધાં ઊખડી ગયાં હતાં. નટમંડળીનો કોઈ પત્તો નહોતો. વાતો સાંભળી લીધી. ફરી એ ચાલી નીકળી. સીમાડે બેસીને એણે એક વાર વિચાર કર્યો. આ જીવતર પાનખરના પાંદડાં જેવું ખરી પડે તે પૂર્વે એક પણ લેણદેણ બાકી ન રહી જાય તો જ મારો