પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૧
વસુંધરાના વહાલાં-દવલાં
 

લેનારા વટેમાર્ગુને એમ પણ કહી લેતી : ' છેટા રે'જો ભાઈ , મારે શરીરે કોઢ છે. '

કોઢનું નામ કાળમુખું હતું. કોઢ શબ્દ તેજુને મોકળો રસ્તો અપાવવા શક્તિમાન હતો.

બે સિપાહી વોળાવિયા ને એક જુવાન બાઈ : ત્રણેનો તેજુને પ્રભાતે સથવારો સાંપડ્યો. બાઈ સિપાહીઓ સાથે તડાકા કરતી આવતી હતી. એક નાની સીમાડા-ચોકી આવી ગઈ હતી. ત્યાં ઊભા રહીને સિપાઈઓએ પોતાની કેદી ઓરતને છૂટી કરી.

" અમારી હદ પૂરી થઈ, ને હવે તું તારે મલક આખો ખૂંદવા માંડ, બાઈ. પણ હવે ત્રીજી વાર ભલી થઈને આ હદમાં પગ મૂકતી નહિ. બે પાટીદાર વટલાવ્યા એટલેથી ખમા કરજે. "

" આવીશ આવીશ. " ઓરતે હાથ ઉછાળીને પોલીસને ઉડાવ્યા : "ઓલી ફાતમાને ને મણકીને કહી રાખજો કે મેરા ચંબુ અને મેરું તસલું એક કોર મેલી રખના. " એ બોલી જેલજીવનની હતી.

" હવે આવ તો તો સાત વરસની ! " પોલીસે જતે જતે સજા સૂચવી : " ઔર વાંસામેં પંદર ફટકા, ટાટકપડાં ઓર અંધારી ખોલી. "

" અંધારાથી કોણ બીએ છે ? અંધારું જ રોયું ફાટી પડશે. મારે શું ? હજી ઈ ફાતમા જમાદારણીને માથે મારે બરાબરની વિતાડવી છે. કહી રાખજો એને કાઠિયાવાડનું પાણી પરખ્યું નથી હજી એણે. "

" આવજે, ખુશીથી આવજે, બીજી પણ બે-ચારને લેતી આવજે. " કહેતા કહેતા રોનકી સિપાઈઓ પાછા વળ્યા.

" આવવું તો જોશે જ ના. " કંઈક પોતાની જાતે બબડતી ને કંઈક પોતાની મોખરે ઊપડતે પગલે ચાલી જતી તેજુને વાતોએ વળગાડવાને બહાને ઓરત બોલતી રહી : બે-ત્રણ વરસના દાણા તો છોકરીના પેટમાં પેલેથી પડી ગિયા ! બીજેય મેનત-મજૂરી ક્યાં નથી કરવી પડતી ? ખેતરમાં સાંઠિયું વીણવી ને કાળે ઉનાળે નદીના વેકરામાં પારકાં પેટ ઠારવા તરબૂચ પકવવાં, તે કરતાં આ શું ખોટું છે ? સાચું કે'જો બા ! "