પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૩
વસુંધરાના વહાલાં-દવલાં
 


જઈ છોરું જણ્યું , મારે જ દાંતે કરીને છોરુનું નાળ વધેર્યું . આ મારે જ હાથે ઓર દાટી. ન દાટું તો કોક પશુડું મરે. એક દી એમ ને એમ પડી રહી. ને છ બાર મહિને પાછી હતી તેવી થઈ રહી, પણ મને કોણ સંઘરે ? ત્યારે અમારા ગામનો અમરચંદ બાપો ભેટ્યા, કહે કે રાંડ આંહીં શે જનમારો નીકળશે ? તારી મરજી હોય તો કહું કામશેર મા'રાજને. મેં કહ્યું , કહો. કામશેર ગોર મને વગડે મળ્યા. મને સમજ પાડી : લખડી, શીદ વગડે સળગછ ? દીવાસળી મૂકને વાઘરીના નામ માથે ! હાલ્યને પંદર દી' કેસરિયા દૂધના કઢા પાઉં, ઘંઉવરણી રૂડી કાયા થઈ જાય, ને પછી શે'ર ગામના કોક શેઠિયાને ઘેર મૂંઢો હાથ ધીંગી પથારીમાં સૂતી લીલા લેર કર ને ? મેં કહ્યું , બાપા, મારે છોકરું મૂકીને મૂંઢા હાથની પથારીમાં શે સુખે નીંદરા કરવી ? તો કહે કે વધુ સારું , વીવા કરીને અમે વિદાય લઈએ એટલે તુંય વાઘરણ છો એમ છતી થઈ જાજે ને ? આફુડા તને કાઢી મૂકશે. ચાર દી તારું છોકરું અમારે ઓટે સૂઈ રે'શે, દુધ વિના નહિ રાખીએ તારી છોકરીને. અમારે તો એટલુંય પુન્ય મળે છે ને. મેં કહ્યું ભલે હાલો. પંદર દી મને કેસરકઢું દૂધ પિવાડ્યું. પણ બોન, શું કહું ? જેવું તમારું રૂપ છે ને, એનાથી સવાયા રૂપે મારી કૉયાંમાંથી કિરણ્યું કાઢી. અમરચંદ બાપો, કામશેર ગોર ને હું ત્રણે નોખાનોખા નીકળીને ડાકોરમાં થ્યા ભેળા. અમરચંદ બાપો મારા બાપ બન્યા, હું વાણિયાની દીકરી બની, કામેશર ગોર તો ગોર જ હતા. ગુજરાતને ગામડે મારાં ઘડિયાં લગન ઉકેલીને કોથળિયું બાંધી બેય ચાલ્યા ગયા. પછી મેં વાણિયાના ઘરમાં ચોખા રાંધ્યા. રાંધી કરીને સૌને ખાવા બેસાર્યા. અને કથરોટમાં ચોખા ઠાલવ્યા કે તરત ઘરનું માણસ ચણભણી હાલ્યું. આ રિવાજ વાણિયાના ઘરનો નહિ, આમાં કાંઈક દગો લાગે છે. મને કરી ભીંસ. નીકર તો મારે આઠ-પંદર દાડા રહીને ઘરાણુંગાંઠું લઈ કરી ભાગવું'તું , પણ પછી તો હાથ જોડીને મેં માની નાખ્યું કે છ‌ઉં તો, દાદા, વાઘરણ. કરનારા કરી ગયા. પૂછ્યું કે ઓલ્યા બે કોણ હતા ? આપણાથી નામ દેવાય કાંઈ, બોન ! મેં તો ખોટાં નામ