પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૨
વસુંધરાના વહાલાં-દવલાં
 

નવી લોક-પ્રતિષ્ઠા હતી.

લખડીનો રંગ રહી ગયો; કેમ કે એણે એક ચાલાકી કરી. પોતાનો ' ભરમ ' એણે સાચવી રાખ્યો. એણે કોઈને ન કહ્યું કે પોતાના ભાગનાં નાણાં તો હજી કામેશ્વર દાદાની પાસે છે.

લખડીએ બાપના પ્રેતના બાકળા જમાડ્યા. બ્રાહ્મણોએ લખડીને નાનો-શો યજ્ઞ પણ કરી દઈને એ જ તળાવડીની પાળે, જ્યાં ગીધ ને સમળીઓની મુર્દા-ઠોલણ પંક્તિઓ બેઠી હતી ત્યાં બેસી કૂતરા હાંકતે હાંકતે લાડુ આરોગ્યા. લખડી ગામની લખમી ગણાઈ ગઈ. કામેશ્વર દાદાએ એનું ' લખમી ' નામ કાયમ કરી નાખ્યું.

" પાપ ક્યાંય પ્રમાણ છે ભાઈ, પ્રમાણ છે. " કામેશ્વર દાદાએ બ્રાહ્મણોને પણ સંભળાવ્યું : " બાપના જીવને ગત કરવા એક વાઘરણ નીકળી પડી છે, ત્યારે આપણા ગામના વાણિયા-ગરાસિયાને તો તપાસો. કેટલાના પૂર્વજો પાણી વિના ટળવળે છે ! "

એમ લખડીએ બ્રાહ્મણોને ને બ્રાહ્મણોએ લખડીને નવપ્રતિષ્ઠા પહેરાવી. સૌને જમાડી-જુઠાડી રાતે લખડી એકલી આંબલીએ જઈને બેઠી. પગે લાગી બોલી : ' ભાભા, હવે તો તારા જીવને મોકળો કર્યો કે નહિ પરભુએ ? મારાથી થાય એટલું મેં કર્યું છે, ડોસા ! બહુ ભૂંડે હાલે મેં તારા પ્રાણ કઢાવ્યા'તા, બાપા ! તું દસ વરસ આંઈ સળગ્યા કર્યો. હું તારી કજાત દીકરી, તારો છૂટકબારો વહેલો ન કરી શકી. તું જોતો'તો ને ભાભા, મેં કાંઈ માર ખમવામાં બાકી રાખી છે ? મેં ઉંકારોય કર્યો છે ? મેં મારી છોકરીનેય યાદ કરી છે કે'દી ? તને ગત્યે કરવા સારુ મેં મારું રોવાનુંય બધું દસ-દસ વરસથી સંઘરી રાખ્યું છે, બાપા ! આજ લોક મને ડાહીને ગાંડી ઠેરવે એ બીકે હું બીજે ક્યાં જઈ અંતર ઠાલવું, ડોસા ? તારી આંબલીની પોલમાં......'

એમ બોલતાં બોઅલતાં લખડીનું રુદન ફાટી નીકળ્યું.

સીમના લોકોએ એ ધ્રુસકે ધ્રુસકા સાંભળી સમજી લીધું કે વેરડા ભાભાનું ભૂત મહાકષ્ટ પામતું પામતું આંબલીનો ત્યાગ કરી રહેલ છે.