"ઈ ફકર્ય નહિ તમારે. આવજો, જોઈ જજો દુકાન."
"ઠીક બાપા,આ છોકરીને શેક આપીને અબઘડીએ જ પહોંચું છું."
"નેજોવો, પછી કાંઈ કે'વાપણું, ન કે'વાપણું, હમણાં જ સમજાવી દઉં.રાતનો ત્રીજો પો'ર સાધવો. દુકાનના ડાબે જ પડખે અડોઅડના ઓરડામાં મારી પથારી રે' છે. ત્યાં ખોરડાં માથે નાનકી એવી કાંકરી મારશો ને, તોય બસ. મારી નીંદર કૂતરા જેવી જ છે. બીજી કાંકરી નહિ મારવી પડે."
"હાંઉં, બાપા !"
"નાનકી જ કાંકરી હો કે ? પાછાં નળિયાને નુકસાન કરતા નહિ."
"તમારે કે'વું પડે કે?" ડોસો પોતાની વિદ્યાનું અપમાન થતું જોઈ દુભાતું હાસ્ય હસ્યો.
"ખાસ્સું."
અમરચંદ શેઠ પાછા વળ્યા. ગામમાં આવીને હાટડીએ બેઠા. હાટડીમાં ખજૂર, ગોળ, ખોખાં, જૂના દાળિયા ને બટાઈ ગયેલી રેવડી સિવાય કશું જ નહોતું રહેતું; કેમ કે અમરચંદ શેઠે પોતાના જીવન-મંત્ર તરીકે આ શબ્દો જ રાખેલાઃ 'ચીંથરે વીટ્યું રતન.' માણસને ઊભવા થાય એવી મેલી, માખીઓ બણબણતી બટાઈ ગયેલી વસ્તુઓની બદબો મારતી એ દુકાન હતી.ઈર્ષાળુ ને વહેમીલો ધણી પોતાની સ્ત્રીને જેમ ફૂવડના દીદારમાં જ રાખવી પસંદ કરે છે તેમ અમરચંદ શેઠ પોતાની સંપત્તિને આ ભૂંડી વખારના જ પોષાક પહેરાવી જીવન જીવતા હતા.
"કાં, આવોને, હમીરભાઈ !" અમરચંદ શેઠે હાટડી પાસેથી નીકળેલા પોલીસ-મુખીનો સત્કાર કર્યો. સોપારી આપી. "એલા પરતાપ !" એણે છોકરાને હાક મારીઃ "જા તો ખરો, પૉર શેર બદામ લાવેલા. એમાં કોઈ મીંજ સારાં રિયાં હોય તો લાવ ને, હમીરભાઈને સોપારી ભેળાં ખવડાવીએ, બદામ ને સોપારીનો ચૂરો ભેળો કરીએ તો ભારી સવાદ આપે છે હો, હમીરભાઈ !"
પાંચેક મિનિટે પ્રતાપ બદામનાં મીંજ લઈને ઘરમાંથી પાછો ફર્યો