પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૫
વસુંધરાના વહાલાં-દવલાં
 

ઝાલીને લખડીએ દોટ કઢાવી, ગામની છીંડીએથી ખીજડા-તળાવની પાળે ઉપાડી ગઈ. રાતના ઠંડા પહોરે જોગણ વેશધારી તેજુ પોતે કરેલા કૂંટીઆમાંથી પાણી ખેંચી ખેંચી નવાં રોપેલાં ઝાડના છોડને પાતી હતી.

" મેલ્ય આને પગે હાથ. " લખડી ડણકી.

કામેશ્વરે તેજુના પગે સ્પર્શ કર્યો.

" થૂ તારા રૂપિયાને માથે. " કહી કામેશ્વરને લખડીએ છોડી દીધો. કાછડી બાંધતા કામેશ્વર ગોર જીવ લઈ નાઠા.

"જાઉં છું હવે પ્રતાપ શેઠ પાસે, " લખીએ કહ્યું.

" લખી ! " તેજુએ કોમળ સ્વરે કહ્યું : " બોન, માણસને ફજેત કરાય ? પરતાપ શેઠનાંય આમ લૂગડાં ઉતરાવીશ ? " તેજુએ લખીને બદલી ગયેલી નિહાળી, એણે કામેશ્વર ગોરની દશા થયેલી દીઠી.

" લૂગડાં ! " લખીએ કહ્યું , " માતાજી, પરતાપ શેઠ બે દી'થી આવેલ છે. એણે શો કામો કર્યો છે જાણો છો ? એણે પડખેના ગામના એક ખેડુના ઘર માથે એના બસો રૂપિયાના લેણા સારુ કડી દેવરાવી છે. ખેડૂતના ઘેરે સુવાવડી બાઈ છે. સુવાવડીનો ખાટલો બહાર કઢાવ્યો છે."

" આપણે સવારે એની પાસે જાયેં લખી, બોન, હું તારી જોડે આવું. હું ય સમજાવવા લાગીશ. અત્યારે આંહીં સૂઈ રહે."

" મને નીંદર નહિ આવે. સવારે વેપારીને મોઢું શું બતાવીશ ? બીજા હજાર લેણદારોના વેચી ડાળીઆ કરી જાઉં. હું લખડી છું. પણ આ તો બાપની અવગત કાઢવાનો મીઠો કોળિયો. એનાં દામ ખોટાં ન કરું, હું લખડી."

"તને નીંદર નહિ આવે તો આપણે બેઠાં બેઠાં વાતો કરશું, લખમી તારા બાપના નામે ઈશ્વરનાં ગાંડાઘેલાં ગાશું."

વાતો કરી કરીને લખીને જંપાવી દીધી. ચંદ્રમા નમી ગયો હતો. તમરાં બોલતાં હતાં. શિયાળોની લાળી સંભળાતી હતી. તેજુ ચાલી, તળાવાડીની પાળે. ખીજડાના પોલાણ ઉપરથી માટી ને પથ્થરો ઊંચક્યાં. પોતાની થાપણ અનામત હતી. ડબલું જર્જરિત બની ગયું હતું. રૂપિયાને