પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૭
વસુંધરાના વહાલાં-દવલાં
 


" ઓલી વાઘરણ બેઠેલી જોઈ, શેઠ ? " તેજુએ દૂર બેઠેલી લખડીને દેખાડી : " એનું માગણું તમારા બાપની પાસે રહ્યું છે. ને તમારું માંગણું મારા બાપની પાસે બાકી છે. આજ આપણે એ બેય લેણદેણનો હિસાબ કરવાનો છે. "

" તમે કોણ છો ? કોણ તમારો બાપ ? "

" એ પછી વાત. પહેલાં આ છોકરીનો મામલો પતાવશો ?"

તેજુએ અમરચંદ શેઠના પરાક્રમની વાત કરી.

" મારી આબરૂ લેવા માંગો છો ? જોઈએ તો સો-બસો રૂપિયા ધરમાદો કરું. "

" ધરમાદો તો બીજા હજારુંનો કરજો. અત્યારે તો બાપનું કરજ ચૂકવો. આ લ્યો ઘરમાંથી ન કાઢવા હોય તો આ હું ચૂકવું છું તેમાંથી આપો. "

કાળા રૂપિયાની પોટલી તેજુએ પ્રતાપની પાસે છોડી નાખી. એ બોલી : " અમે રહ્યાં વહેમી લોક, શેઠ, મૂવાં માવતરની અવગત્ય ન ખમી શકીએ અમે."

" તમે કોણ છો ? "

" મારી ઓળખાણની બીજી તો કોઈ એંધાણી રહી નથી. રહ્યા છે એકલા આ દેહ પરના ડામ. " એમ કહીને તેજુએ પોતાના ગળાનું બુતાન ખોલી નાખી છૂંદણાંના વેલ્યબુટ્ટા ને મોરલા પ્રગટ કર્યાં. " હવે તો સાંભરશે ને ?"

" મારું મોત-" પ્રતાપ ચોંકી ઊઠ્યું : "તેજબાઈ !"

" ના રે ના, કોઈ બીજું જાણશે નહિ. હું તો ચાલી નીકળવાની છું. ગભરાશો નહિ, સુખેથી સાયબી ભોગવજો. પણ એક વેણ માગું છું. લોકોના નિસાસા લેશો મા. બાપના પાપની વરાળ બેટાને એ જ્યાં હશે ત્યાં ગોતીને બાળશે, એને કોઈ પાણી નહિ પાય."

" એ જીવે છે ?"

" સાંભળ્યું છે, જોયો નથી. જોવા પામીશ પણ નહિ. જોવોય નથી.