પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૦
વસુંધરાના વહાલાં-દવલાં
 

ખડી પડેલા અને ઠીંગુજી લોકોને માથે એમની ખાસ કૃપા ઊતરતી. વાંદરમુખા, વાઘમુખા, રીંછ જેવી રુવાંટીવાળા, લોંકડી જેવી લાળી કરી જાણનારા પણ તેમણે ગોત્યા હતા, પણ હોઠફટો છોકરો હજુ એમના જોવામાં આવ્યો નહોતો. પોલીસ ખાતાને એણે તાકીદ કરી હતી કે હોઠફટાને શોધી કાઢો.

પ્રતાપ શેઠના મામલામાં રાણી સાહેબને રસ લેવાનું એક બીજું કારણ પણ બન્યું હતું.

એક દિવસ રાણીજીના પ્રમુખપદે મહિલાઓનો મેળાવડો હતો એ મેળાવડામાં રાણીજી એક મહામૂલા હીરાની વીંટી પહેરીને પધાર્યાં. રાત્રિના દીપકો એ હીરાને ચૂમીઓ કરી રહ્યા. નગર-નારીઓનાં નયનો પર આ હીરાનાં કિરણો તેજ-ખંજરની લીલા ખેલવા લાગ્યાં. એ જ વખતે એવા જ એક બીજા હીરાની કિરણ-કટારો રાણીજીની આંખો પર ખૂંતી ગઈ. એ કોની આંગળી પરથી કટારો છૂટે છે ? રાણીજીનું અભિમાન જખ્મી બન્યું. એ બીજો હીરો એક નગર-નારીના હાથ પર બેઠો હતો. એ હાથ રાણીજીને મણિધર નાગ જેવો કરડવા લાગ્યો. એ હાથ પ્રતાપ શેઠનાં પત્નીનો હતો. શેઠે જે હીરા આણેલા તેમાંનો એક રાજને જમદારખાને વેચ્યો હતો, ને બીજો પોતાની પત્નીની કોડીલી આંગળીએ પહેરાવ્યો હતો.

' મારી સ્પર્ધા વાણિયાની બાયડી ઊઠીને કરે છે ! '

સભાનું વિસર્જન થયે રાણીજી રાતાંચોળ નયનો લઈને મહેલે પળ્યાં.

તપાસનાં ચક્રો ચાલુ થયાં. સાંધા મળતા ગયા. પ્રતાપ શેઠ પરની દાઝનું માર્યું પીપરડીનું ગામલોક જુબાનીઓ લખાવી રહ્યું : છોકરો પ્રતાપ શેઠથી જ પેદા થયો હતો. વારસદારને વિશ્વમાંથી ભૂંસી નાખવાના જ અમરચંદ શેઠે અખાડા કર્યા હતા. અંકોડાબંધ ઇતિહાસ આવીને મળ્યો.

અનાથાલયની નજીકના એ વેરાન ટુકડામાં કોણ કોણ ઉતારા કરતાં ! બજાણિયા, મદારીઓ, વેડવા વાઘરાં, છારાં, ફકીરો, બાવાઓ.