લોકબોલ પડતા હતા : ' માડી રે, નટવો તે કાંઈ હસે છે ! કાંઈ હસે છે ! દેવતાનેય દુર્લભ એવા દાંત કાઢે છે.'
ઝંડૂર હસે છે ? જગતને હસાવે છે ? બદલી એ હાસ્યની માલિક હતી. ઝંડૂર પોતાના સાથમાં આવડો બધો સુખી હતો શું ? બદલીને ખબર નહોતી કે ઝંડૂર હોઠકટો હોવાથી હસતો લાગે છે.
" દાંત કાઢો, દુનિયા તમા રે ! દાંત કાઢો." બુઢ્ઢો મદારી કેડમાં ઢોલકું નાખીને લોકવૃંદને કહેતો હતો, ઝંડૂરને હાકલ દેતો હતો : " બચ્ચા ઝંડૂરિયા, હસાવ બધાને. આ બધાં મસાણિયાં છે. એને હસતાં શીખવ. એને રોતાં શીખવવાની જરૂર નથી, અંધી ! રોતાં તો એને આવડે છે. હસવું એ ભૂલી ગયાં છે. આલમના લોક ! હિન્દુ ને મુસલમાન ! તમે પેટ માટે રુઓ છો. ઝંડૂરિયો પેટ માટે હસે છે. તમને હસાવીને એ રોટીનો ટુકડો માગે છે. ઝંડૂરનું પેટ એકલા હસવાથી ભરાતું નથી. ઝંડૂરની પ્યસ બદલીનાં એકલાં આંસુથી છીપતી નથી. એક રાતે ઝંડૂર મારી પાસે આવ્યો ત્યારેય એ આવું ને આવું હસતો હતો, પણ એનું પેટ ખાલી હતું. એ મને ખાઈ જાત. ભોગાવો બદલીની માને ખાઈ ગયો. ભૂખ્યાં ખાય નહિ ત્યારે બીજું કરે શું ? રોવું ખૂટે ત્યારે ખાય શું ? ખાય પારકાનું હસવું. ઝંડૂરને ખાઈ જાશો મા, ઝંડૂરના હોઠ કોઈએ ખાધેલા છે. હજમ થયા ખાનારને, ને હસે છે ઝંડૂરિયો. તમારાં ખેતરો કોક ખાય છે, ને હસો છો તમે. તમામ હસો હસો હસો--"
લોકો હસી પડે છે ને બદલી ગાય છે :
અંધારી રાત ને બાદલ છાયા,
બાદલીને છાંયે મારી આંખ તો મળી.
ચાલો પિયા ! સુખની રાત મળી
ચાલો પિયા ! સુખની રાત મળી.
સંધ્યાની લહેરો પર બદલીન ગાનની તર વળી રહી હતી. સુખની રાત કોને મળી હતી ? દોર પર મોતનાં પગલાં નચવતી એક નાચીજ અંધીને ? અંધી છોકરીની ચિરઅંધારી રાત, શું સુખની કોઈ અજાણી ઊંડી