એ આંખ કેવી સુભાગી હશે ! બંગલાને છાંયે સળગતી આંખ એ મીઠાશને માટે તલખી રહી.
રાજ-પોલીસે આવીને ખબર આપ્યા, " બા સાહેબ, એ જ છોકરો, એને કાંડે છૂંદણું છે."
" બુઢ્ઢાને અને અંધીને અટકમાં લ્યો, જુવાનને આંહીં લઈ આવો."
એ આજ્ઞા લઈને ફોજદારે મેળાના રંગ રેલાવતા એ નટતમાશામાં ભંગાણ પાડ્યું. ફક્ત સોટીની અણી દેખાડીને એણે ઝંડૂરને નીચે ઉતાર્યો. સામે ઊભેલ ગાડીનું ખુલ્લું દ્વાર ચીંધ્યું. " ક્યાં-" એટલે પ્રશ્ન મદારીના મોંમાં ખંડિત રહી ગયો.
" ઝંડૂર, ક્યાં છો ?" બદલીએ કોઈક સુગંધનો તાંતણો ગુમાવી બેસીને આજુબાજુ હાથ વીંઝ્યા, લોકમેદનીના હાસ્ય પર પોલીસની છડીએ સ્તબ્ધતા પાથરી દીધી.
મેદાન ખાલી પડ્યું ત્યારે બદલી હજુ દોર પર વાંસને અઢેલીને બેઠી હતી. ઢોલક પર બુઢ્ઢાના હાથની થાપી થંભી હતી. હેડમ્બા બદલીની સામે જોતી હતી, ગધેડો પાસેના ખાડામાં ચરતો હતો.
*
પછી તે રાત્રિએ એક એકાંત ઘરમાં પોલીસની ચોકસીનાં ચક્રો ચાલુ થયાં. ' એને જરા અંદર લઈ જઈને સમજાવો. ' એ હતું પહેલું ચક્ર. પોલીસને પ્યારો એ મૂંઢ માર હતો. બુઢ્ઢા મદારીનાં દાઢી અને મૂછની ખેંચાખેંચ ચાલી. ' બોલ આ કોણ છે તારો ઝંડૂરિયો ?'
બુઢ્ઢો ન બોલ્યો એટલે એની છાતી પર મોટી શિલા મૂકવામાં આવી, બાર કલાક સુધી મદારીએ મોં ન ખોલ્યું, છેલ્લો વારો બુઢ્ઢાને ઊંચા કડામાં લટકાવીને નીચે તાપ કરવાની ક્રિયાનો હતો. લટકતા બુઢ્ઢાએ ચીસ નાખી : " ભાઈસાબ, બોલી નાખું છું."
નીચે ઊતર્યા પછી પાછી બુઢ્ઢાને હિંમત આવી. ન બોલ્યો, એટલે ફરી લટકાવી સીંચ્યો. બાર કલાકે બુઢ્ઢાએ નીકળતા પ્રાણે કબૂલાત આપી :