પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૭
વસુંધરાના વહાલાં-દવલાં
 

આવ્યો. એના આવાસમાં પલંગો, હિંડોળા ને સુંવાળી બેઠકો હતી. બહુરંગી દીપકો હતા. સ્નાનાગારની તેલ ખુશબોએ એનાં નસકોરાં ભરી દીધાં. એને નોકરોએ તેલનાં મર્દન કરીને નવરાવ્યો. એને નવા પોશાક પહેરાવવામાં આવ્યા.

" તમે કોણ છો ? આ શું કરો છો ? " એણે પોતાની સેવા ઉઠાવનારાઓને પ્રશ્નો પર પ્રશ્નો કર્યા. " મારો બુઢ્ઢો ક્યાં છે ? બદલી ક્યાં છે ? અમારાં જાનવર ક્યાં છે ?"

કોઈ જ નોકરે જવાબ આપ્યો નહિ. ગોલી અને ગોલાં એની થાળી પીરસી, પીરસીને ચૂપચાપ ચાલ્યાં ગયાં. એ કેદી હતો ? એ શું જેલ હતી ? સાંભળ્યું હતું કે ફાંસી ચઢાવવાની આગલી રાતે કેદીને મનગમતું ખાવાનું આપે છે. મને શું ફાંસીએ લટકાવવાનો છે ? મેં શું ગુનો કર્યો છે ? બદલીની માને મેં મરતી જોઈ છે એ શું મારો અપરાધ હશે ? રૂપનગરમાંથી અમે ભાગી નીકળ્યાં તેથી શું તમાશાવાળાઓએ મને આંહીં પકડાવ્યો હશે ? બદલી ક્યાં ગઈ ?

' બદલી ! બદલી ! ઓ બદલી ! ક્યાં છો તું ' એવા પોકાર એણે પાછળની અટારી પર જઈને બીતે બીતે પાડ્યા. એ પોકારનાં પુદ્‌ગળોને દરિયાની ગર્જનાઓ ગળી ગઈ. દરિયાના મલકાટ કિનારે પડેલા ખડકો પર ભાંગી જતા હતા. અટારીનું ઊંચાણ નીચે જોઈએ તો આંખે તમ્મર આવે તેટલું ભયાનક હતું. એણે બારીએ બારીએ ચક્કર લગાવ્યાં. ચીડિયાખાનું જાણે કે જગત બની ગયું હતું ને એક પાંજરાના સળિયા પકડીને ઊભેલો, આમતેમ આંટા મારતો પશુ જાણે કે માનવ-અવતાર પામ્યો હતો.

મોડી રાત્રે એક રાજ્યાધિકારી અંદર આવ્યો. એણે ઝંડૂરને સલામ ભરી. હસતા જુવાનનો શ્વાસ ઊડી ગયો. જગતમાં ક્યાંય, કોઈ ઠેકાણે જ શું એના ચહેરાની હાંસી અટકવાની નથી ? અર્ધરાત્રે પણ આ ટીખળ ચાલુ ? મદારી અને બજાણિયાની દુનિયા તો એનો દિનભરનો જ તમાશો માગતી. આ નવી રાજ-દુનિયા શું એને રાત્રિનો પણ તમાશબીન બનાવવા