બની ગયો. એણે સૂતેલા જુવાનના દોર-ચડતા પગ નિહાળ્યા, ઝંડૂરના પગનાં આંગળાં પર એનો મોહ ઢળ્યો, એ દેહમાં કોઈ છૂપી પાંખો બિડાયેલી રહી છે એવી મીઠી એને ભ્રાંતિ ઊપજી. એણે ઝંડૂરના સમસ્ત યૌવનને સંઘરી બેઠેલા એ પગો પર હાથ ફેરવ્યો, ને પછી તો એની આંખો એ હોઠ પર ઢળી. એણે કલ્પના દોડાવી : આ હોઠ અણફાડ્યા ને અણચૂંથ્યા હોત તો મોં કેવું રહ્યું હોત ? કેવું લાગત ? કોને હાથ પડ્યું હોત ? પોતાના કલેજાનું રુધિરમાંસ કાઢી કાઢી એને જાણે કે કલ્પનામાં ને ક્લ્પનામાં હોઠને ચાંદવા લાગી. મોં અજબ રૂપાળું બની ગયું. જંતુ હતો તે અશ્વિનીકુમાર બની ગયો. એ ન રહી શકી. છેક મોં પર લળીને એણે એ માથાને હાથમાં લઈ હોઠને હોઠ અડકાડ્યા.
' બદલી ! બદલી ! આમ ?' બોલતા જુવાને સ્વપ્નમાં આ નવસ્પર્શનું સુખ અનુભવ્યું. પણ માદક સુગંધની મદિરા-પ્યાલીઓએ એના નાકને પાગલ, વ્યાકુળ, વેદનામય કરી ગૂંગળાવ્યું. એ ગંધ બદલીની ન હોય. વનવગડાના વાસિની બદલી કોઈ અનન્ય ફોરમે જ ફોરી ઊઠતી. કોઈએ મોં પકડીને શરાબનો સીસો ઠાલવતું હોય એવી ગભરામણ અનુભવતો જુવાન ' બદલી ! દુષ્ટ ! ' કહેતો જાગી ઊઠ્યો, ને પોતે જે જોયું તેથી જડ બન્યો.
" બદલી સાથેનો સંસાર તારો પૂરો થયો, જુવાન ! આ તો તારો નવો જન્મ છે. તું, મારા નગરનો ધનપતિ છે. મેં તને તારી અંધી બદલી પાસેથી વેચાતો લીધો છે. તું નગરનું ગુલાબ છે, વગડાનું ફૂલ નથી. હું તારી મધમાખ છું."
સ્વપ્નાવસ્થા ચાલતી હતી ? કોઈએ શરાબનો કેફ કરાવ્યો હતો ? કે આ શું મૃત્યુ પછીની અવસ્થ્યા હતી ? ઝંડૂરને ગમ ન પડી. એ તાકીને નિહાળી રહ્યો. એનામાં બોલવાના કે હલવા ચલવાના હોશ નહોતા. એનું કૌમારમય જોબન તે રાત્રિએ પહેલી જ વાર સ્ત્રીનો આવો સંગ અને સ્પર્શ પામ્યું. એના મગજમાં ચકડોળ ફરવા લાગ્યા.
" ચમકીશ મા." રાજ-રાણીએ ધીરજ સેવી : " તારી નવી અવસ્થા