પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૨
વસુંધરાના વહાલાં-દવલાં
 

એ દરિયાની બાજુએ દોડ્યો; ભયાનક ઊંડાણ. કાળા ખડકોની ભૂતાવળ. એ જમણી બાજુ ગયો. બીજો રાજમહેલ. ડાબી બાજુ પર નજર કરી. નજીકમાં રાજ-રાણીનો વાવટો ફરકતો હતો. એ વાવટાને પકડી રાખનાર એક તાર-દોરડું અગાસી પર જકડેલું હતું. શરીરને માપીને ઝંડૂરે દેહનો ઘા કર્યો. તાર ઝાલી લીધો. લટકતો લટકતો થાંભલે પહોંચ્યો. ત્યાંથી લસર્યો. ધરતી પર એના પગ ઠેર્યા ત્યારે જાણે એને મા મળી.

બે દિવસ પર જે માર્ગેથી એને લાવવામાં હતો આવ્યો તે માર્ગે એણે અંધકારમાં ચાલવા માંડ્યું. જ્યાં મેળો ભરાયો હતો તે મેદાન પર એ આવી પહોંચ્યો. મેદાન સૂનકાર હતું. હાટડીઓ, રાવટીઓ, તમાશાઓ, તમામ જાણે પૃથ્વીમાં સમાઈ ગયાં હતાં. ' બદલી ! બદલી ! બદલી ! ' એણે ધીમા પોકાર કર્યા.

એક ઝાડના થડ ઉપરથી એને કોઈએ જવાબ આપ્યો " હુક, હુક, હુક.

અને એ પછી તરત એક કાળો આકાર લપાતો લપાતો પાસે આવ્યો.

' રતનિયા ! રતનિયા ભાભા ! ' ઝંડૂરે પોતાના નિત્યસાથી વાંદરાને પિછાન્યો.

વાંદરાએ એનો હાથ ઝાલી લીધો.

" રતનિયા, બદલી ક્યાં ? બુઢ્ઢો ક્યાં ? "

વાંદરો એનો હાથ છોડી આગળ થયો. એણે પાછળ જોયું. ઝંડૂર આવતો હતો. વાંદરો એનો ભોમિયો બન્યો. ખાડીને કાંઠે પહોંચ્યાં. નજીક એક મછવો તરતો હતો. કોઈક ફાનસવાળો ધમકાવીને બોલતો હતો : " ખાડીને સામે કાંઠે આ બેઈને ઉતારી આવજે હો માછી ! નીકર ચામડી ઉતરડાઈ જશે. રાણિસાહેબનો ખુદનો હુકમ છે. "

" એ હો, બાપુ ! " હોડીવાળો જવાબ દેતો હતો. " આ ભરતીનાં પાણી ચડે કે તરત હંકારી મૂકીશ. "