પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૩
વસુંધરાના વહાલાં-દવલાં
 

વાંદરાએ ઝંડૂરને ઝાલી રાખ્યો. પેલો ફાનસવાળો ચાલ્યો ગયો પછી વાંદરાએ ઝંડૂરને એ મછવા ભણી દોર્યો.

મછવામાં તે વખતે બદલી લવતી હતી.

" મેં કપડાં સજી લીધાં છે. બુઢ્ઢા જો તો ખરો, આજ હું બહુ રૂપાળી નથી લાગતી ? આજ મારાં કપડાં બદન પર કેવાં બંધબેસતાં લાગે છે ? દોર બાંધી લીધો બુઢ્ઢા ? હવે જલદી ઢોલક બજાવને ! ઝંડૂર કપડાં પહેરી રિયો હશે. દેખ તો ખરો બુઢ્ઢા, કેટલું બધું માણસ ભેળૂં થયું છે ! એ બધા તલસે છે. એને હસવું છે. જલદી દોર પર ચડાવ મને. "

" ઝંડૂર આવતો હશે. એ નહિ રોકાય. આજ તો છેલ્લો તમાશો છે. મારા પગને મેં મેંદી લગાવી છે. ઝંડૂર કહે છે કે મેંદીનો રંગ રાતો હોય છે, બુઢ્ઢા ! હું શું જાણું રાતો એટલે કેવો ? હું તો જાણું કે રાતો રંગ એટલે ઝંડૂરના મોંના જેવો, ઝંડૂરના હોઠની ખુશબો જેવો. "

" તું સૂતી રહે. " બુઢ્ઢો માનતો હતો કે બદલી સનેપાતમાં બોલે છે. બદલીનું શરીર સળગતું હતું.

" એંહ ! આજ સુવાય કે ? અરેરે બુઢ્ઢા, આજે કાંઈ સૂવાનો દન છે ? આજના મેળામાંથી તો બાર મહિનાની રોટી લેવી છે. આપણે આજે તો થાળી પણ નહિ ફેરવવી પડે. લોકો પૈસાના મે વરસાવશે. તું ઢોલકના તાલમાં ભૂલ કરીશ મા હો, બુઢ્ઢા ! જો હું ગાઉં છું. તું તાલીમ લઈ લે. " એમ કહી બદલી ગાવા લાગી :

અંધારી રાત ને બાદલ છાયા,
બાદલીને છાંયે મારી આંખ તો મળી,
ચાલો પિયા...ચાલો પિયા...સુખની....રાત મળી.

ઝંડૂર ને રતનિયો મછવા પર કૂદ્યા. ઝંડૂરે કશું બોલ્યા વગર બદલીનો હાથ ઉપાડી પોતાના હોઠ પર અડકાડ્યો. એ હાથ હોઠ પર ફરીને પછી શરીર પર લસરી પડ્યો.

" ઝંડૂર આવ્યો, બુઢ્ઢા, " બદલીએ હર્ષોન્માદના બોલ કાઢ્યા :