પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાત્રીઓના ત્રીજા પહોરે શેઠના ખોરડા પર કાંકરીઓના ઠણકાર થતા રહ્યા. ઉંદરડાની રંજાડો; અમરચંદ શેઠની ગાળો અને પ્રતાપના ઢાકાઢુંબાવાળું નાટક વારંવાર ભજવાતું રહ્યું; ને અમરચંદ શેઠનાં બદામ-સોપારી કરતાં પણ વધુ મધુરી મશ્કરીઓ માણતા પોલીસ-મુખી હમીર બોરીચો પણ આ નાટકના પૂરા પરિચયગામી છતાં ચૂપ રહ્યા; કેમ કે તેમની પણ આવી નફાદારીની અંદર વગર જહેમતની ભાગીદારી હતી. 'ચીંથરે વીંટ્યું રતન' રાખવાની સજ્જડ નીતિ પાળનારા અમરચંદ શેઠ સલામત હતા. પ્રભાતના પાંચ વાગે ઊઠી એ મોંએ મુહપત્તી બાંધી શ્રાવક ધર્મની સામાયિક-વિધિ કરતા. એ વિધિએ એમના પૂરા બે કલાક લેતી.રાતના અંધકારે થતાં થઈ ગયેલી ભૂલોનું એ આ રીતે ઈશ્વર પાસેથી પ્રાયશ્ચિત મેળવતા.

પણ શેઠનો પુત્ર પ્રતાપ એવા ઢોંગમાં રાજીખુશીથી શામિલ નહોતો થયો. પ્રતાપ આ નાટકનું એક કુશળ છતાં નારાજ પાત્ર હતો. પ્રતાપને ચીંથરે વીંટ્યાં રતનની પિતૃભાવના પસંદ નહોતી. પ્રતાપનો જમાનો હવે કાંડાભરપૂર કરચલિયાળા છ્બગલા અંગરખામાંથી નીકળીને ખમીસ-હાફકોટ પર ચાલ્યો ગયો હતો. પ્રતાપને પિતાજીની ઉપાર્જિત સંપત્તિમાનો માત્ર માલિકી પૂરતો જ સ્વાદ નહોતો. એને એ સોનાની સુગંધ પણ જોઈતી હતી. પિતા એનું દિવસમાં દસ વખત નાક કાપતા હતા છતાં એ નાક પાછું પોતાને અસલ સ્થાને આપોઆપ જ ચોટી જતું. પરણેલ નહિ છતાં પ્રતાપે ધીરે ધીરે પિતાને પોતાના સારુ દિવસ-રાતનો સુવાંગ લાયદો ઓરડો કાઢી આપવાની ફરજ પાડી હતી. પરણવાની સજાવટનાં એક પછી એક સાધનો, સુગંધિત દ્રવ્યો, હીકોની અને અત્તરની શીશીઓ, ક્રીમ-સ્નો વગેરે સુંવાળપ બક્ષનારા કીમિયા, અને પત્નીના કોડ પૂરવા માટેનાં વાર્નિશ કરેલાં કબાટો પણ પ્રતાપ વસાવી રહ્યો હતો.

એવી ભભૂકતી મનોવૃતિઓ વચ્ચે પ્રતાપે તેજુ ત્રાજવા ત્રોફનારીનો સાદ સાંભળ્યો. એ સૂરે એના અર્ધનિદ્રિત યૌવનને જાગ! જાગ! કહ્યું. પ્રતાપે તેજુને શાંતા-સુશીલા જોડે વાતો કરતી પણ સાંભળી. તેજુના દેહ પર છૂંદણાંના વેલ્યબૂટા, પંખીડાં, ને પાંદડીઓ ફાલ્યાં હતાં તે પણ પ્રતાપ