પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કે શું?"

"હવે તો રજા માગું છું, શેઠ ! માવતરનું તેડું આવી ગયું છે."

"શું થયું ? "

"આ જુઓને." બુઢ્ઢે શરીર પરના સોળા બતાવ્યા.

"ક્યાં કજિયો કરી આવ્યા ? દારૂબારૂ પીધો છે કે શું?"

"ના શેઠ, રોજને કામે જ ગયો'તો."

"જરા ધ્યાન રાખીએ ને? મેં ક્યાં ગફલત કરવાનું કહ્યું'તું?"

"ના શેઠ, તમારો વાંક હું નથી કાઢતો."

"તમારાં ઓસડીયાંએ કાંઈ કાર ન કર્યો આ વખતે?"

"અમારી બાજરી ખૂટી ગયા પછી ધરતી અમને અણહક્કનું ખાવા રાખતી નથી."

"પણ અમારા અણહક્કનું ખાઈ ગયા ઈ? એનું શું? અમારે તો રાતોની રાતો ફડકે શ્વાસ ગયા છે. પોલીસનો ડોળો અમારી વાંસે ફરે છે, તમને સાચવીને તો ઊલટા અમે સલવાઈ ગયા."

"હશે, બાપા !" બુડ્ઢાએ ધરતી પરથી ચપટી ધૂળ લઈને, હોઠે અડાડી નાખી દીધી.

તેજબા બુઢ્ઢાનાં ઓસડિયાં વાટતી હતી. તેની બંગડીઓ રૂમઝૂમતી હતી. એ રૂમઝુમાટની અંદર તેજબાનાં એકાદ-બે ડૂસકાં ડૂબી ગયાં.

અમરચંદ શેઠે બુઢ્ઢાની પથારી પર ટોંણો માર્યોઃ "અમારો તો છોકરોય અમારે હાથથી ગયો ને ?"

બુઢ્ઢો કાંઈ બોલી ન શક્યો.

"એણેય આવીને તમારું ઘર ભર્યું ને ?"

"મારેય બાપા," બુઢ્ઢાએ કહ્યુંઃ "ફુલેસ-પટેલને ચૂપ રાખવા પડ્યા છે. મારેય આખા ગામના ચોકિયાતોનાં મોંમાં તમારા આપેલા રૂપિયાના જ રૂમાલ દેવા પડ્યા છે. મારી કને કાંઈ જ નથી રિયું."

"પણ અમારો છોકરો બગડ્યો ઈ ?"