પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અર્પણ

સુશીલભાઈ,

સોળ વર્ષ પરનો એક બપોર યાદ આવે છે? ‘સૌરાષ્ટ્ર કાર્યાલય’ એવા ઠસ્સાદાર નામે ઓળખાતાં માટીનાં ભીંતડાં વચ્ચે તમે બેઠા બેઠા મોટા એક મેજ પર ‘ઘરે બાહિરે’ ઉતારતા, અવલોકનો લેતા, અગ્રલેખો લખતા – ને સૌરાષ્ટ્રના સમાચાર પણ તારવતા. તે દિવસોના એક ચડતા બપોરે તમે મને સત્કાર્યો, નાનેરો ભ્રાતા કરી લીધો..... અને પત્રકારત્વના પ્રથમ પાઠ શિખાવી પછી તમે ચાલ્યા ગયા. હું પણ મારો પ્રહર પૂરો થયે આંહીંની ચિરવિદાય લઈ ગયો હતો.

આજે ફરી વાર આપણને બેઉને સાદ પડ્યો – નાથાભાઈનો. આપણે પાછા આવ્યા – નવા સ્વધર્મમાં નાથાભાઈના સહભાગી બનવા. છ મહિનાથી તમે અમને ચકિત કરી રહ્યા છો. સમુદાયથી ત્રાસીને નાસી છૂટેલા નિવૃત્તિ-પરાયણ ભદ્ર ભીમજીભાઈ ‘સૌરાષ્ટ્ર’ના જૂના ઇતિહાસ-પાનાની પુનઃસ્થાપના કરવા માટે, બુધવારના સળગતા મધ્યાહ્ને હાજર થાય છે.

મારા–તમારા આજના આ પુનર્યોગની મીઠી યાદનો દીવો આ દીન પુસ્તક-કોડિયામાં નાથાભાઈને હાથે તરતો મુકાવું છું. એનું આયખું ક્ષણિક છતાં સુંદર હશે. ને ક્ષણનું સૌન્દર્ય જ શું આ બધી કુત્સિતતા વચ્ચે બસ નથી?


રાણપુરઃ ચૈત્રી પૂર્ણિમા
ઝવેરચંદ