પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫
વસુંધરાના વહાલાં-દવલાં
 

"તો તો મોટો થાઉં ત્યારે..."

"ત્યારે શું ?"

"અમરચંદ બાપાની જ મેડી ફાડું."

"ખરો બહાદર !"

"ને તને આ છોકરી હારે વીવા કરાવશે."

"હું તો ગરાસણી લાવીશ."

"એલા આ છોકરી કોણ હશે ?"વાર્તાલાપ ધીમો પડ્યો.

"કેમ ?"

"વગડાઉ માનવી કાંઈ આવું હોય ?"

"કોણ હશે ?"

"આ ડોસાએ કોક ઉજળિયાત જણ્યું ચોર્યું હોવું જોવે."

"મૂંગા મરો મૂંગા હવે."

બધા ચૂપ બન્યા અને એ બોલ તુંબડીની પછવાડેથી સાંભળતી તેજુબા ચૂલા ઉપર ચિતરામણ સરીખી થઈ ગઈ.

એને યાદ આવ્યું: મૂએલો પિતા એક વાર તાવમાં પડ્યો પડ્યો લવતો હતો તે દિવસ યાદ આવ્યો. શું લવતો હતો એ ? - બાઈ, તું તારા જીવને ગત કર. તારું જણ્યું મારી પાસે દઃખી નહિ થાય. દઃખી કરું તો મને મેખાસુર ભરખે. ઉભે વગડે તારે એને જણવું પડ્યું છે. વગડાને ખોળે તેં એને મૂક્યું છે. વગડો જ એનો પાળક છે. અરે, બાઈ, મને દુઃખ તો આટલું થાય છે કે તારા ઉચ્ચ વરણના જણ્યાની દેઈ મારા ભેળી વટલાશે. પણ બાઈ, તું હવે તારા જીવને ગત કર. તારો જીવ કેમ રોકાય છે ? શા કારણે કષ્ટાય છે ? તારે કાંઈ કે'વું છે ? તો કહી લે. હુંય વનરાઈનો બેટો છું, મને વન થાતાં આવડે છે. વનના હૈયામાં લાખમલાખ સૂર સમાય છે. વનના હૈયામાં વાત ન જાય. અરે વન તો વાયે પણ હલે. હું તો પાણકો થ ઈને રહીશ. તારૉ વાત ક્યાંય નહિ કહું. બોલી દે બાઈ તારી છેલ્લી ઘડી બગાડ મા - હં, તારા સગા સસરાનું જ પાપ ? વાંધો નહિ. પાપ પાપીને રિયું. આ તો છે પુણ્યનો પાટો. પ્રભુનો દીધેલ