શરમ આવે છે. પત્યું. તમે જેમ રાજી રોં એમ. મારે તો વળી હશે તે થાશે."
"કહો બીજી ચોખવટ કરી લઈએ. વાંસેથી કજોયો નહિ. જાનમાં કેટલાં માણસ લાવું?"
"મારી ત્રેવડ તો તમે જાણો છો ને, શેથ? તમે ક્યાં અજાણ્યા છો?"
"પણ મારી આબરૂના પ્રમાણમાં તો લાવું ને?"
"કેટલાં?"
"સાત ગાડાં"
"એટલે પચાસ?"
"બસ."
"અરે મારે ગળાટૂંપો જ ખાવો પડે ને?"
"આટલું આટલું કર્યા પછીયે?"
"તે શું ? લીલુ જેવા કન્યા લેવા તો જાવ શેઠ ! ખોરાદે ઝકોળ દીવા કરે એવી છોકરિયું રસ્તામાં નથી પડી. તમે જ વિચાર કરોને, તમે જ અમારી નવી વેવાણની કેટલી કોથળિયું ચૂકવી'તી? અને લાવી લાવીને લાવ્યા તે સીસમનું લાકડું કે બીજું કાંઈ હી-હી-હી-હી."
"સીસમ કહો કે કે'વું હોય ઈ કહો. સારા પ્રતાપ તો મારે ઈ સીસમનાં પગલાંનાં જ ને? આજ એણે અમારા ઘરનો દી વાળ્યો."
"હા, અને પાછી કસદાર ભોં. બબે દીકરિયું દેવના ચકર જેવી એણે જ દીધી ! એનીય પાછી ભાણિયું બે હાથ આવી પડી ઈ ખાસી વાત ! એકએકની પાંચ પાંચ કોથળિયું તો તમે ઊભી કરશો જ ને?"
"જેવાં ભાગ્ય."
"ના, પણ મને પૂછ્યા વગર ક્યાંઈ ભેખડાઈ જાતા નહિ. હા, તમે છો જાણે ભોળા. અને મુંબઈ -કલકત્તાના માહિતગાર નહિ. ચકીબાઈ નાઈ રિયાં એના જેવું ઉતાવળિયું ન કરી લેવું. લેવા લેવા તો પાછી ઓછા શીદ લેવા? છાશ લેવા જાવું ને દોંણી શીદ સંતાડવી? ઈ કામ