મને સોંપજો હો, પાછા ભોળા થાતા નહિ."
"તમને પૂછ્યા વગર પાણી ન પીઉં એની ખાતરી રાખજો. ધ્યાનમાં છે કોઈ?"
“છે શું? મારા ગુંજામાં છે ગુંજામાં.”
“ઠીક, તો આ વીવા ઉકેલીને પચે નિરાંતે નક્કી કરીએ . કહો, હવે જાનના માણસનું શું કહો છો?”
“બસ એટલું જ કે મને વાણિયાને મારવા જેવું ના કરતાં. તમને સમજૂને વધુ શું કહેવું? તેજીને ટકોરો જ બસ છે.”
“પણ આખી ફાંટ ભરાવું છું તોય?”
“ઈ ફાંટ કાંઈ પટારામાં થોડી મૂકવાની છે? મારે ત્રણ છોકરા વરાવવા છે ને.”
“તમારે તો લીલાં નાળિયેર આવે ને, ભા?” અમરચંદ શેઠે ડાબી આંખ ફાંગી કરી. એને ખબર હતી કે વેવાઈને ઘેર અગાઉ આવેલાં લીલાં નાળિયેરની ચાર-ચાર કોથળીઓ કૂકવવી પડી હતી.
“લીલાં આવે, સૂકાં આવે, ખોરાંય આવે.”
“આવે ભાઈ, આવે. બાકી તો ધંધા પાણી જ ના રિયાં મલકમાં, એમાં વાણિયાનો દીકરો મોંઘા ભાવના દૂધ પાઈને ઉછેરેલી દીકરીઓના દાન તે કરવા ક્યાંથી બેસે? એને જનમારો કાઢવો કેવી રીતે? વાણિયાના દીકરાથી કાંઈ કોળી-કણબીની જેમ મજૂરી કરવા થોડું જવાય છે? ઊજળો અવતાર આપ્યો ઈશ્વરે, એ તો સાચવવો જ રહ્યો ના!”
“તમે તો બધું સમજો છો,. એટલે મારી ત્રેવડનું પારખું કરશો મા, માબાપ!”
“ઠીક, ચાળીશ જાનૈયા લાવીશ.”
“ના પંદર ઉપરાંત સોળમો લાવો તો મારું ગળું વાઢી ખાવ.”
“ઠીક, ત્રીશ.”
“અરે શેઠ, આપણી ન્યાતમાં કાંઈક સુધારો કરો સુધારો. હવે રાજકોટ-જૂનાગઢમાં તો વર એકલો જઈને ચાનો વાટકો પી કરી પાછો