પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫
વસુંધરાના વહાલાં-દવલાં
 

જીભ પણ ન ચલાવતી. હસવું એને આવતું નહિ.

એની છેડતી કરવા આવનારા મરદોએ એની આંખમાં કશુંક બિહામણું રૂપ જોયું. અકસ્માત્ એવું બન્યું કે એની પાસે જનારાઓમાંથી બે જુવાન ઝાડા-ઊલટી કરી કરી મૂઆ એટલે વહેમ પેસી ગયો કે આ કોઈક મેલી દેવીની ઉપાસના કરનારી બાઈ છે.

રૂપાળી તેજુ બિહામણી ડાકણ જેવી બની ગઈ. માનવીનું મૌન એવું ભયાનક છે.

વાઘરણોની આંખો ચપળ હોય છે. એ આંખોએ દિન પર દિન તેજુબાનાં દેહના બેઉ પડખાં જોયાં ને વાતોથઈ: "દી ચડતા લાગે છે."

"એ તો ઠેકાણે પાડી નાખશે." વાઘરનોએ એક-બીજીને ખાતરી આપી.

પરંતુ તેજુના શરીરે દિન પર દિન સાદ કરી કરી સંભળાવ્યું: હું હવે કાબૂ બહાર નીકળી જઈશ.

"માડી રે!" વાઘરનો વિસ્મય પામી.

"કોઈ એને રસ્તો તો ચીમ્ધાડો? નાની બાળ જાણતી નહિ હોય તો?"

તેજુબાની પાસે ચતુર વાઘરણનું એક ડેપ્યુટેશન ગયું. તેજુએ જવાબ આપ્યો, "હુંય દંગાઓમાં ભમી છું. કસબ-કીમિયા શીખી તો નથી, પણ સાંભળી શકી છું. પણ મારે તો એક કરતાં લાખ વાતેય વાત કરવી નથી."

"માડી રે! નાક વઢાઈ જશે!" એમ બોલતી બોલતી વાઘરાનોએ મોં સંતાડ્યા. વાઘરણોને પણ આબરૂ હતી!

નવ મહિને તેજુએ બાળક જણ્યું. જનાવનારી તો વાઘરણો જ હતી. તેજુનો દીકરો જીવ્યો. પણ ગર્ભાશયમાં કોઈ રોગ રહી ગયો. એના મનની નસો ઉપર પણ પ્રસવકાળની વેદનાએ કાયમી અસર મૂકી દીધી. ઓછામાં પૂરું બાળકનો જન્મ થતાંની વારે જ વાઘરણોએ કહ્યું : " ટૂંકું