પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૮
વસુંધરાના વહાલાં-દવલાં
 

ઝકોળા બોલશે, બાપા!"

"આપણા કૂબા ઢાળી જ ઈ બધી ટાઢી હીમ જેવી લેરખિયું આવવાની છે."

સૂઈ ગયેલા બાળકને શરીરે હાથ પંપાળતી પંપાળતી તેજબાઈ પોતાના કૂબામાં એકલી બેઠી હોય ત્યારે આ બધી વાતોના શબ્દો તો નહિ પણ સ્વરો હવામાં ગળાઈ ગળાઈને એના કાન સુધી પહોંચતા હતા. પોતે જેમ જેમ અબોલ બનતી ગઈ તેમ તેમ એને કૌતુક જ થતું ગયું કે દુનિયાને આટલી બધી વાતો કરવાનું શું બની રહ્યું હશે? વાતોને કોઈ વિસામો જ નથી શું? પરાઈ લક્ષ્મી અને સમૃદ્ધિમાંથી દિલના અસમ્તોષને તૃપ્ત ન કરી લેત તો આ વાઘરીઓની લાલસા કાં ઝૂરી ઝૂરીને એમને ખપાવી નાખત અને નહિ તો રોજ રોજ એમને ચોરીઓ કરવા ઘસડી જાત, તે વાત તેજબા નહોતી સમજતી. એનું અંતર એક બાળકમાંથી જ પોતાની ભરપૂરતા મેળવી ચૂક્યું હતું, પ્રેમિકા મટી તે પૂર્વે જ મા બની ગઈ હતી. અને માતા થનારના ભયંકર મોહ જગત પરથી ઊતરી ગયા છે. માતાપણું મૌનમાં જ પોતાના એકલપણાની જાહોજલાલી જુએ છે.

પરણેલો પ્રતાપ પરનીને શું જમ્પી ગયો હતો? ના, એ તેજુને વિસારે ન પાડી શક્યો, તેમ ન એણે તેજુની પાસે જવાની હિંમત કરી. એને તેજુના બાળકની જાણ થઈ ચૂકી અહ્તી. બાપનો બોલ 'હલકી કોમમાંથી વારસદાર જગાડીશ મા' એના મગજની નસો તોડતો હતો. એને પણ કેટાલાક કુટિલ વિચારો નહોતા આવ્યા એમ એ ન કહી શકે. એ વારસદારને ખતમ કરવાના મનસૂબા એના હ્રદયના ઉંબરા ખૂંદી ગયા હતા. પણ એ વિચારો ઉપર વાત્સલ્યભાવે જીત મેળવી હતી. એનું ધ્યાન એક જ વાત પર ઠરતું હતું. તેજુને કોઈ રીતે ચૂપ કરી શકાય?

તેજુ તો ચૂપ જ હતી. મહિના પછી મહિના વીતતા હતા. પણ તેજુનો ચિત્કાર બહાર પડતો નહિ. તેજુનો ભય પ્રતાપને હૈયે દિન પર