પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૯
વસુંધરાના વહાલાં-દવલાં
 

દિન કમતી થયો, તેમ તેમ તેજુની ને એ છોકરાની સુંવાળી ચિંતા વધતી ચાલી. તેજુને માટે મારે કાંઇ કરવું જ જોઈએ : પણ હું તેજુની ને મારે વચ્ચે કોને અંકોડો બનાવું ?

હમીરભાઈ મુખી : હમીરભાઈ જ ઠીક છે. હમીરભાઈ મારા જીવન-રહસ્યના જાણભેદુ છે. હમીરભાઈને એણે એકાંતે તેડાવ્યા.

"હમીરભાઈ, મહીને મહિને તેજુને સાત રૂપિયા પહોંચાડશો?"

હમીર બોરીચાએ પ્રતાપને રંગ દીધા : "રંગ છે વાણિયા. ઈશ્વરનો ડર જેને હોય તેને આમ જ ઘટે. ખુશીથી પહોંચાડીશ."

અને તે દિવસથી હમીર બોરીચો એ સાત રૂપિયાનો વાહક બન્યો. તેમાંથી પાંચ પોતાના મહેનતાના લેખે મનમાં ને મનમાં નક્કી કરીને એણે તેજુને રૂપિયા બબે પ્રતિ માસ પહોંચાડાવાનો નિયમ રાખ્યો. હમીરભાઈ થોડા થોડા દિવસને આંતરે પ્રતપ પાએ બીજો પણ તકાદો લઈ આવતા. તેજુ કહે છે કે છોકરાને ઓરી નીકળ્યાં'તામ્ તેની ટાઢક કરવી છે : તેજુને માંદગી ઘર કરી ગઈ છે માટે દવાદારૂનો પણ ખરચો મગાવે છે : અને તેજુ આજ તો બોલી ગઈ કે શેઠ મારો વાજબી વિચાર નથી કરતા તો પછી હું પણ એમની આબરૂ ઢાંકીને ક્યાં સુધી બેસી રહું?

જવાબમાં પ્રતાપ હમીરભાઈની સલાહ મુજબ જ તેજુની સગવડો કાઢતો ગયો. પણ કહેવાની જરૂર નથી કે એ સગવડો તેજુને બદલે હમીરભાઈના જ ઘરનો રસ્તો પકડતી રહી.

મહિના મહિનાની અમાસની અધરાતે તેજુ ખીજડા-તળાવડીમાં કોઈ ચોરી કરવાઅ જનરા ચોરની પેઠે જતી હતી, અને એક ઠેકાણેથી ધૂળ કાઢીને તેમાંથી રૂપિયે ભરેલું મોજું બહાર કાઢતી. એ મોજામાં માસિક મળતા રૂપિયા બે મૂકીને પાછા મોજાવાળા ખાડા પર ધૂળ વાળી પોતાના કૂબામાં કોઈ ન ભાળે તેવી ચોરગતિથી પહોંચી જતી.

છોકરાની ઉંમર અઢીક વર્ષની થઈ ગઈ, ત્યારે તેજુએ છોકરાની ખેતરની મજૂરીએ સાથે લેવાનું બંધ કર્યું. કૂબાને સાંકળ વાસીને જતી.