"મરકીના ઉંદર, આપા, મરકીના ધોળા ઉંદર. આજ પચાસ વરસથી ગામમાં મરકી નો'તી આવી, ને હવે ગામમાં બલા પેઠી છે એટલે નહિ થાય તેટલું થોડું."
"કોણ બલા?"
"પૂછો જઈને ઝાંપડાઓને ને વાઘરીઓને."
"હાલો, ડાંગો, લાકડીઓ લઈને પમ્દરેક જણ મારી ભેળા હાલો, મને નજરોનજર દેખાડો તો હું એને ટીપી જ નાખું."
પછી તો તે દિવસે વાધરીઓના ઉપર અને ભંગિયાઓ ઉપર સાદી તેમ જ કડિયાળી લાકડીઓની અને ગોળા ગોળીઓની ઝડી વરસી. ઓરતોનાં પણ માથાં ફૂટ્યાં. છોકરાંને ઉપાડી ઉપાડીએ ગામલોકોએ ઘા કર્યો, પણ કોઈની હિંમત એ અલાયદા ઊભેલા એકલવાયા કૂબાની નજીક જવાની ન ચાલી. મુખીએ ત્રાડ પાડી કે " ઈ તેજલી ક્યાં ગઈ ? એને તો કોઈક થોડીક લાકડિયું ચખાડો. એનાં તો આ કામાં નથી ને?"
"એને - એને નહિ." વાઘરીઓ વચ્ચે આવીને ઊભા : " આ લ્યો માબાપ, અમારા બરડા ફાડી નાખો ફાવે તો, પણ એને ન અડજો. પાઘડી ઉતારીએ." એમ કહીને વાઘરીઓએ પોતાનાં માથાં પર વીંટેલા લીરા હાથમાં ધરીને માથાં ઝુકાવ્યાં - જેવં માથાં ખાટકી વાડામાં બકરાં નમાવીને ઊભાં રહે છે.
તેજબાએ આ અપશબ્દોનો શોરબકોર અને સ્ત્રીઓ બાળકોની કાગારોળ સાંભળી. એનું શરીર તાવની વરાળો નાખતું નાખતું બહાર નીકળ્યું. તાવની ગરમીએ એના દેહને ધગાવી ફૂલગુલાબી બનાવ્યો હતો. પણ એની આંખોમાંથી ઊની જ્વાળાઓ નીકળતી હતી.
"એલી ખોલ તારો કૂબો."
"શા માટે?"
"અંદર તું અડદનું પૂતળું મંતરી રહી છો. કેમને ? ગામનાં છોકરાં ભરખી જવા મરકીને બોલાવી છે તેં, હેં ને?"
"તમે આવું બોલો છો? દાદા, તમારી દીકરીનાં તો મેં ત્રાજવડાં