ત્રોફી દીધાં છે, ભૂલી ગયા?"
"ત્રાજવડાનાં શોખે જ ગામનો ઘાણ કાઢ્યો છે ને? તને પરદેશીને આંહી નીકર પગ મૂકવા દઈએ અમે?"
"દાદા, હું કાંઈ નથી જાણતી."
"કૂબો ઉઘાડ. અંદર અડદનું પૂતળું છે."
"પૃથ્વીને ફાટવું પડે એવા બોલ બોલો મા, અંદર તો મારો છોકરો સૂતો છે. તમને સૌને ભાળી એની રાડ નીકળી જશે." તેજબા હાથ જોડી કરગરવા લાગી.
“ઈ છોકરા સારું જ તું ભૂંડું કરી રહી છો ને ગામનું ? તારે તો આઇ છોકરામાંથી હજી કામી કમાવું છે કેમ કામણ-ટુંમણી ? ખોલ ઝટ !” એકાએક ઉપરવાડેથી પ્રચંડ માનવ-ઘોષણા ઘોરતી સંભળાઈ. ચંડીપાઠની ઉગ્ર ઢબે કોઈક શ્લોકોના તેજાબી લલકાર થતા હતા. થોડી જ વારમાં તો પચાસેક જણા લાકડીઓ લઈને કિકિયારી કરતા દોડ્યા આવતા દેખાયા. તમામે કછોટા ભીડ્યા હતા. તેઓના ગાળામાં જનોઈઓના ત્રાગડા વીંટળાયેલ હતા. તેમના માથા પર નાની મોટી ચોટલીઓ ફગફગતી હતી, ‘મારો, મારો સાલાં એ અધરમીઓને!’ એવો દેકારો બોલાવતા તેઓ વેરાનના વંટોળિયાનું રૂપ ધરી ધસી આવ્યા. ‘ક્યાં ગઈ એ ઝાંપડી! એણે તો ત્રાજવામ ત્રોફાવનારીનો વેશ ધરીને અમારા ઘરેઘરના તુળસીના ક્યારા અભડાવી માર્યા છે. મારો, મારો એ કાળમુખીને.’
તેજબા ફફડીને ઊભી થઈ રહી. એણે ઊંચા હાથ કરી પોતાના દેહને આડશ કરી. એના પર પ્રહારો થતાં ગયા તેમ તેમ એ કૂબાના દ્વાર પાસે ખસતી ગઈ.
“હાં, કૂબામાં પેસો કોઈ!’ એવા હાકલા સાંભળીને એણે કૂબના બારણાં આડો પોતાનો દેહ મોટી શિલાની માફક ખોડી નાખ્યો. એને ધકેલી, બારણું ઉઘાડી ટોળું અંદર પેઠું. પેઠેલાઓ પૈકીના એક માણસે અવાજ દીધો કે “ આ રિયું અડદનું પૂતળું. જો આ રીયા રાંડનાં કામાં.