પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૭
વસુંધરાના વહાલાં-દવલાં
 


"તું ! તું વાઘરો ! તારા મોંમાં ઠાકરનું નામ ! એલા ઈશ્વરનું નામ પણ અભડાવછ ! એને કોઈક બોલતાં તો શીખવો?"

એશબ્દોની સાથે જ વાઘરી પર ગડદાપાટુના મેહ વરસ્યા. એની રહી સહી ચોરણી પણ ચીરાઈને ચૂંથાયેલી ચામડી સાથે ચાડી ખાવા લાગી.

"બાંધો આ બધાને," મુખીએ કહ્યું : એની પોતાની જ પાઘડીએ બાંધો, ને લઈ હાલો વિજયગઢને થાણે."

ભંગીઓ અને વાઘરીઓના જુવાનો ને બુઢ્ઢાઓનું બંદીવાન જૂથ હરાયાં ઢોરના ટોળાની પેઠે એકબીજાની ભેળું પોતાનાં જ કપડાંને ગાળીએ બંધાઇને વિજયગઢને માર્ગે હંકાર્યું. સાથે સાક્ષીઓ તરીકે બ્રાહ્મણો, લુહાણા, કાઠીઓ પૈકી થોડા થોડા જણ જંગબહાદુરોના દમામથી ચાલ્યા. બંદીવાનોના ટોળાની મોખરે તેજબા ચાલી. એની છાતીએ એનો છૂંદાયેલો છોકરો હતો.

વચ્ચે આવતા પ્રત્યેક ગામને પાદર બ્રાહ્મણો રજપૂતોએ ગામલોકને પોકાર પાડ્યા કે : 'ચેતજો ભાઈઓ, ઝાંપડાએ અડદનાં પૂતળાં આરાધ્યાં છે. ગામે ગામ મરકી'ના વા વહેતા મેલ્યા છે. ઢોરઢાંખરોમાં પણ તેમણે રોગચાળા ઉતાર્યા છે. ચેતજો, ઝાંપડાઓને ને વાઘરાંઓને રેઢાં મૂકશો મા."

એ સંદેશો ગામેગામ ફરી વલ્યો. ગામડે ગામડે વાઘરીઓ અને ભંગીઓ પર માર પડ્યા. ન કોઈ ઊંડી તપાસ કરવા અટક્યુમ્, ન કોઈ અડદનાં પૂતળાંનો નજરે જોનાર સાક્ષી હતો. હતું એકલું આંધળું. ઝનૂન.

ઝનૂન જ્યારે એક જ ભેજામાં જન્મે છે, ત્યારે તો એને કલ્પિત પણ કોઈ કારણ, કોઈ શંકા, કોઈ ભીતિ કે ભ્રાંતિ હોય છે. પણ ઝનૂન જ્યારે સેંકડો-હજારો ભેજાંનો કબજો લ્યે છે, ત્યારે એને પ્રયોજનની ખેવના રહેતે જ નથી. એ પોતે જ કાર્ય અને કારણનો એકાકાર બની બેસે છે. જનતા નિષ્પ્રયોજન અને નિરુદ્દેશ જીવતી હોય છે. પણ જીવનનું તો એને પણ કોઈ ને કોઈ પ્રયોજન જોઈએ છે. એ પ્રયોજન જડી ગયા