પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૮
વસુંધરાના વહાલાં-દવલાં
 

પછી જનતા પોતાને કૃતાર્થ માને છે. નિશ્ચેતનમાં જીવતી જનતાને ચેતનવંત બનવાનું હરકોઈ એક ઓઠું જોઈએ છે, એ ઓઠું ગામડાની જનતાને આવા કોઈ આંદોલનમાં પ્રાપ્ત થાય છે. અને એ ચેતનવંતી અવસ્થામાં બુદ્ધિ વાપરવાનું કહી ટાઢી પાડવાનો પ્રયત્ન એનું અપમાન કરવા બરોબર ગનાય છે. પચીસ-ત્રીસ ગામડાંને સચેતન બનવાનો આ અવસર સાંપડ્યો હતો. નોષ્ક્રિય બનેલા હાથને ચડેલી ચળ જનતાએ પૂરા શૌર્ય સાથે નીચ વરણો પર ઉતારી કાઢી.


8

વિજયગઢની અદાલતમાં


વિજયગઢની બજારમાં સોંસરું આ બંદીવાનોનું સરઘસ નીકળ્યું, અને શહેરનો સૂતેલો પ્રાણ જાગી ઊઠ્યો. વિજયગઢની વસ્તી જોરાવર હતી. વિજયગઢના બ્રાહ્મણો સનાતનના અણનમ્યા ઉપાસકો હતા. સમયનાં પૂરને તેમણે પોતાના ઉંબર પરથી પાછાં વાળ્યાં હતાં. સ્ત્રીઓની કેળવણીના એ કટ્ટર શત્રુ હતા, સિવાય જે જ્ઞાતિની કેટલીક રાંડીરાંડો મહેતીજી થઈ પોતાનો ગુજારો મેળવી લેતી તેથી કરીને તેમને માસિક બે રૂપિયાની જિવાઈ આપવાના જુલમાટમાંથી બ્રાહ્મણ સસરાઓ બચી જતા. તે સિવાય વિજયગઢના પાટનગર ઈંદ્રપુરના નિષ્પ્રાણ રાજકારોબારનો કબજો લેવા પ્રપંચો લડતા કેટલાક જે પક્ષો એ ઇંદ્રપુરને મૂએલા ઢોરપર ગીધડાંના ભોજન-સંગ્રામનું લીલાસ્થાન બનાવી મૂક્યું હતું, તે પક્ષોનો વિજયગઢના વિપ્રોને સારો એવો લાભ મળતો. સામા પક્ષના માણસો માટે મૃત્યુના જાપ જપવાનું મોંઘું કામ તેમને મળી રહેતું. તેઓ સંસ્કૃતમાં ગાળો ભાંડી જાણતા, ને મંદિરોમાં ગાંજો પી જાણતા. તેઓ વૈદું પણ કરી જાણતા, ને દાકતરીને જ્ઞાનને ગાળો દેતા