પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪
વસુંધરાના વહાલાં-દવલાં
 

લીધો ત્યારે એની પહેલી તાલીમ સલામથી શરૂ થઈ. સંચાલકે એને પોતાની સામે ઊભો રાખીને હાકોટો દીધો : "બોલ, 'સાહેબજી, સલામ'!"

છોકરો કંઈ સમજ્યો નહિ. સંચાલકે છોકરાનો જમણો હાથ ઝાલીને એના કપાળ પર મંડાવવા પ્રયત્ન કર્યો ને એ ક્રિયાની સાથોસાથ ઉચ્ચાર્યું: "શલ્લામ !"

છોકરાએ મૂંગે મોંએ જિદ્દ લીધી. એનો હાથ આ નિગૂઢ ક્રિયાને આધીન ન થયો. એણે કહ્યું : "મા ! નહિ, શ- લા- મ." બીજી વાર સંચાલકે છોકરાના હાથને ઝાડની માફક કપાળ બાજુ મરોડવા મહેનત કરી.

"મા, મા, મા." છોકરાના એ માકારામાં નવું જોર ને ઝનૂન ઉમેરાયાં.

સંચાલકે રોટલાનું બટકું હાથમાં લઈને બતાવ્યું. છોકરાએ હાથ ધર્યોઃ "નહિ, શ - લા - મ."

"નૈ, નૈ, નૈ, મા." છોકરો રોટલાના ટૂકડા સામે ખૂનની જેવી નજરે તાકી રહ્યો.

"અલ્યા છોકરાઓ !" સંચાલકે બે વર્ષથી બાર વર્ષ સુધીના તમામ અનાથોને બોલાવી હારબંધ ઊભા કર્યા, કહ્યું : "સ - લા- મ !"

'સલામ' કહીને બીજા તમામ છોકરાઓએ કોઈ અજબ ચપળતા અને ખુમારીથી કપાળે હાથ મૂક્યા. નવા બાળકે આ દૃશ્ય દીઠું.

સંચાલક ફુલાયા ને ફોસલામણા નવા બાળક સામે બોલ્યા : "શ - લા - મ."

"નૈ...ઈ-ઈ-ઈ ! મા !" નવો છોકરો જિદ્દ છોડતો નહોતો.

"એને કકડીને ભૂખ લાગવા દઈએ. પછી એ માની જશે. બીજા સૌ પોતપોતાનાં શકોરાં લઈને બેસી જાઓ."

પ્રભાતનું ભોજન હતું. પ્રત્યેક બાળક શકોરું ધરી ધરી આવતો ગયો તેમ તેમ રસોઈયો દરેકના શકોરામાં એક મોટી દેગમાંથી કડછી