કડછી ખીચડી નાખતો ગયો. પીરસનારની ઝડપ એટલી બધી પ્રશંસનીય હતી કે કોઈના શકોરામાં મોટો લચકો તો કોઈનામાં નાનો લચકો ચટ ચટ પડતો હતો. પ્રત્યેકના પ્રારબ્ધમાં માડ્યા મુજબ સર્વને નાનો મોટો લચકો મળતો હતો. વિધાતા અને તકદીર પરની આસ્થાના અંકુરો પ્રત્યેક બાળકના મનમાં આ રીતે વવાતા અને પોષાતા હતા. શકોરામાંથી છોકરા ખાતા ત્યારે તે સામે ટાંપી રહેલા નવા બાળકને સંચાલકે બાવડું ઝાલીને ઑફિસમાં લીધો. ત્યાં જઈ પાછી તાલીમ શરૂ કરીઃ "ખીચડી ખાવી છે ?"
"હં - અ !"
"પીળી પીળી કેવી મજાની છે ! લચકો, લચકો, મીઠી મીઠી. વાવા વાવા, નૈ!"
"હં - અ !" કહીને બાળક પોતાના સૂકા હોઠ પર જીભ ફેરવવા લાગ્યો.
"તારે જોઈએ ?"
"હં - અ !"
"તો બોલ: " શ - લા - મ."
"નૈ, નૈ, નૈ, મા !" કહીને છોકરાએ જોરાવરીથી કપાળે મૂકાવેલો હાથ ઝટકાવી લીધો.
"તો... ખીચડી પણ નૈ,નૈ, નૈ!"સંચાલકે બાલકની તોતળી બોલીમાં બાળકનાં ચાંદૂડિયાં પાડ્યાં.
છોકરો થોડી વાર ઊભો થઈ રહ્યો. પછી એ બેસી ગયો. દરમિયાનમાં પિરસણિયો દોડતો આવ્યો. વ્યગ્ર અને ઉશ્કેરાયેલા અવાજે એણે સંચાલકને કહ્યું: "તમે જરા પધારો ને!"
"કેમ? શું છે?"
"લૂલિયો ફરી વાર માગે છે."
"ફરી વાર માગે છે ? લૂલિયો?" ચોંકીને સંચાલક ભોજનગૃહમાં ધસી ગયા. લીલિયો નામે બીજો નવો છોકરો ખીચડીના ચરુ પાસે ખાલી