પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૬
વસુંધરાના વહાલાં-દવલાં
 

શકોરું લઈને ઊભો હતો. શક્રોરામાં એક પણ દાણો બાકી નહોતો. લુલિયાએ શકોરું ચાટીને સાફ કર્યું હતું.

ઘડીક પિરસણિયાની તો ઘડીક સંચાલકની સામે ભૂખી આંખો માંડતો લૂલિયો માગતો હતોઃ "વધુ આપો."

સંચાલકની આંખ ફાટી ગઈ. પિરસણિયો દિગ્‍મુઢ બની ગયો.

"લે વધુ-લે-લે-લે ! જોઈએ વધુ? "કહેતાં સંચાલકે ચાર વર્ષના છોકરા લૂલિયાને ત્રણ તમાચા ચૉડ્યા. "જા, બેસી જા, છોકરાઓને બગાડવા મગે છે તું, એમ ને?"

લૂલિયો જ્યાં હતો ત્યાં પાછો બેસી ગયો.

"હવે ફરી વાર વધુ માગીશ?" સંચાલકે ફરીથી થોંટ ઉગામી.

"નૈ માગું." લૂલિયાએ બે હાથ આડા દીધા.

અને પછી લૂલિયો જ્યારે પોતાની એક ટાંગ ઉલાળતો ઉલાળતો સૌની સાથે શકોરું ધોવા ગયો ત્યારે એક પછી એક તેમામ છોકરાઓએ એના ચાળા પાડ્યા. 'વધુ આપો ! વધુ આ...પો ! આ લ્યો વધુ ! આ લ્યો!' એમ કહેતા કેટલાક તો લૂલિયાને ધપ્પો મારતા ગયા.

ભૂખ્યો પડેલો નવો બાળક આખરે એ શૂન્ય ખંડમાં ચોમેરે નજર કરવા લાગ્યો. એણે ભીંતો પર આરસની તકતીઓ દીઠી. પ્રત્યેક તકતીમાં દાતાનાં નામ-ઠામ અને રૂપિયાની રકમ કોતરેલી હતી. એના ખાડામાં એણે પોતાની આંગળીઓ ફેરવી. એ સુંવાળા સંગેમરમર પર એના હાથ લસરવા લાગ્યા. એ કેટલા મુલાયમ હતા ! કઠણ પથ્થરો છતાં મુલાયમ - કેવા મુલાયમ ! મારી માનાં સ્તનો કરતાં તો મુલાયમ નથી ના ! તોય ઠીક છે. આવડા મોટા મકાનમાં આટલી તો સુંવાળપ જડી ગઈ ! હાથ ફેરવતો ફેરવતો એ ભીંતને આધારે ઝોલાં ખાવા લાગ્યો. એનાં મોં અને નાકમાંથી લીંટ ઝરવા લાગી. એને મોઢે માખીઓના બણબણાટ મચ્યા. કેટલી વાર એમ ને એમ પડ્યો રહ્યો તે તો કોણ જાણે, પણ ઊંઘમાં ને ઊંઘમાં એને કાને દૂરથી સ્વરો આવતા હતા. શબ્દો તો એ નહોતો સમજી શકતો, પણ જેઓને કુતૂહલ હોય