તેઓને એ શબ્દો કહેવા જોઈએઃ
વચ્ચે વચ્ચે ગીત અટકી જતું ને ધમકીઓના હાકોટા ઊઠતા. 'એ ભાલિયા, આ ગીત ગાતાં હસાય કે રોવાય ? મોઢું રોવા જેવું કરતો જા, નીકર તારા બાપ કોઈ આશ્રમને પૈસા નહિ આપે. તારી મા મરી ગઈ છે કે નહિ ? મરી ગઈ છે ને ? તો એને યાદ કરીને ગાતો કેમ નથી ? ખીચડીનો લચકો કેમ ગળે ઝટ ઊતરી જાય છે ?'વગેરે વગેરે શબ્દો વડે તાલીમ અપાઈ રહી હતી. પણ નિદ્રા કરતાં નવાં બાળકોને એના આછા આછા ભણકારા આવવા ઉપરાંત કશી ગમ હતી નહિ. દાતારોની તકતીઓના ફરસા સંગેમરમરે એનું માથું જાણે કે છાતીએ લીધું હતું. એ માથું થોડી વારે નીચે ઢળી પડ્યું. એ સૂતો નહોતો પણ જાણે કરમાઈ ગયેલ મૂળાની જેમ પડ્યો હતો. થોડી વાર પછી માથું ગોઠણની જોડે બેવડે વળીને લબડતું હતું.
ખીચડીનો એઠવાડ ચાટીને એક કૂતરી ઓસરી પર ચડી. ઓસરીમાં કોઈ માણસ નથી તેની ખાતરી કરીને કૂતરી ઓરડામાં આવી. આવીને એણે નવા બાળકને ગોતી કાઢ્યો. ભૂખી કૂતરીએ બાળકનાં મોં પાસે બણબણતી માખીઓ પકડવા ડાચિયાં નાખ્યા. બાળકના મોંની લાળ અને નાકની લીંટ ચાટી. બીજું કશું ચાટવા જેવું નહોતું રહ્યું, પણ લાળ વહેશે એ રાહ જોઈને કૂતરી ત્યાં ઊભી રહી. ફરસબંધી ઠંડી લાગવાથી કૂતરીએ ત્યાં આસન વાળ્યું અને બાળકને વારંવાર ચાટ્યો. બાળકને લાગ્યું કે કોઈકનો સુંવાળો હાથ પોતાનું મોં પંપાળી રહેલ છે. માતાથી તાજા વિખૂટા પડેલા બાળકને ઊંઘમાં મા પાછી વળેલી લાગી. એણે માની ગોદમાં પેસવા મોં સરખું કર્યું. એણે ધાવણ તો વહેલું છોડ્યું હતું પણ તેની સાન નહોતી ગૂમાવી. જૂની આદતને આધીન એના હોઠે કશીક શોધ કરી. ઓચિંતા એ હોઠ કૂતરીના આંચળ પર ગયા. તાજાં મૂએલાં કુરકુરિયાંની એ માને આંચળ પર નાના હોઠ મીઠા લાગ્યા. ને એમ બંનેની કુદરતી સમજણના પરિણામે કુતરીનું ધાવણ માનવીના