પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૩
વસુંધરાના વહાલાં-દવલાં
 

ઠેકડી કરે છે ?" હસાહસ અને આનંદની રેલમછેલ ચાલી.

બાળકના બે હોઠ ભેળા થઈ જ ન શક્યા. એને ટીખળ ગમ્યું નહિ. એની આંખોમાં પાણી આવી પડ્યાં તોપણ મોઢા પરથી દાક્તરની કાતરે ચોડેલું આ ચિર-હાસ્ય ઊતર્યું નહિ.એ ત્યાંથી નાસી ગયો.

એટલામાં તો સંચાલકે આવીને સૌને ખબર આપ્યાઃ "હમણાં શકોરાં મૂકી દ્યો. મે'માન પધારે છે. ગુલાબડી, તમે છોકરિયું એનાં છેટેથી ઓવારણાં લેજો ને લૂલિયા, તમે સૌ 'સાહેબજી, સલામ' કરીને પછી 'નાનપણમાં કોઈનાં માતાપિતા'વાળું ગીત ગાજો.ને સોમેશર, જો ગાતાં ગાતાં મોઢું મલક્યું છે ને, તો આજનાં ખીચડી-શાક મળી રહ્યાં તને, હો કે?"

મહેમાનને માર્ગ બતાવતા સંચાલક બાળકોની પાસે તેમને લઈ આવ્યા. સૌએ 'સાહેબજી, સલામ' કર્યું.

નવો બાળક બધાથી દૂર ઊભો હતો. તેને સંચાલકે ફોસલાવીને કહ્યુંઃ "મે'માનને સલામ કર, બચ્ચા! ખાઉ ખાઉ આપું."

બાળકે ખિજાયેલું મોં કરીને જવાબ આપ્યોઃ "નૈ,મા!" એ મા કહેવા ગયો પણ પૂરો "મા" એવો ઉચ્ચાર એનાથી થઈ શક્યો નહિ.

"નવો આવ્યો છે."

"હસ્યા જ કેમ કરે છે?"

"રીતભાત સમજતો નથી."

"હજુ સાવ નાનો છે." મહેમાને બચાવ કર્યો.

"અમે નાનેથી જ વિનય શીખવીએ છીએ. કૂંણી ડાળ જ વળી શકે છે."

સંચાલક અતિથિને લઇ એક બંધ બારણા તરફ ચાલ્યા.

"આ તરફ પધારશો?" એક કહીને એણે બારણું ખોલ્યું અને કહ્યુંઃ "આંહીં અમે કોઈને દાખલ કરતા નથી. આપને માટે જ અપવાદ કરું છું."

ખરી વાતે પ્રત્યેક અતિથિને એમ જ કહીને અંદર લઈ જવામાં