પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૪
વસુંધરાના વહાલાં-દવલાં
 

આવતો.

"આહીં એવા કુટુંબની સ્ત્રીઓને રખાય છે કે જેમનાં નામ હું નથી લઈ શકતો. ઇંદ્રનગરના અગ્રગણ્ય આબરૂદારનું કલંક જોવું છે? સામેના ખંડમાં સંતાડેલ છે."

એક દ્વાર, અંદર બીજું દ્વાર, તેની અંદરનો ખંડ ઊઘડ્યો ને ત્યાં બેઠેલી સ્ત્રી પાછળ ફરીને ઘૂમટો કાઢી ગઈ.

"વિધવા છે. સગા કાકાથી......"

અધ્યાહાર શબ્દોએ સ્પષ્ટ શબ્દો કહી શકે તે કરતાં વિશેષ વ્યક્ત કર્યું. અધ્યાહાર વાણી ભયંકર હોય છે. બંદીવાન સ્ત્રીની હાજરીમાં જ આ સંચાલકે આ 'અધ્યાહાર' પિછાન પૂરી કરી. બે-ચાર અપંગો અને ગાંડાઓ બતાવીને એણે પરોણા પાસે વિઝિટબુક અને શાહી-હૉલ્ડર ધરી દીધાં. આશ્રમનાં અનાથોને કેવું સાફ અનાજ અપાય છે તેની ખાતરી કોઠારમાં લઈ જઈને કરાવી. જે દાળ અને ભાતની ગૂણીઓમાંથી તેણે મૂઠી ભરીને દાણા દેખાડ્યા તે વસ્તુતઃ અનાથોના રસોઈનો રસ્તો ભૂલીને સંચાલકના પોતાના ઘરમાં ચાલ્યા જવાના શોખીન હતા.

10

મદારી મળે છે


આકાશના અનંત ગોળમાં નક્ષત્રો અરધું ચક્કર ઘૂમી વળ્યાં હતાં ત્યારે અનાથાશ્રમનો નવો બાળકા જાગ્યો. ઊંઘ અને ભૂખનું જે રોજેરોજનું યુદ્ધા છેલ્લા છ મહિનાથી એના શરીરમાં મચી ગયું હતું તેમાં ઊંઘ પરાજય પામી. ભૂખે એને બેઠો કર્યો. ભૂખ એને પથારીમાંથી બહાર દોરી ગઈ. એ કોને ગોતવા જાય છે તેની પ્રથમ તો એને ખબર પડી નહિ. એણે