પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૮
વસુંધરાના વહાલાં-દવલાં
 

કદાવર આદમી નીચો વલ્યો. એના કાળા મોં ફરતી સફેદ દાઢી હતી. એનું શરીર ફક્ત કમચ ફરતા લપેટેલા જીર્ણ કપડા સિવાય આખું જ ઉઘાડું હતું. એના માથા પર જટા જેવા લાંબા વાળ હતા. એ મનુષ્ય દેખાતો હતો તે કરતાં સુકાઈ ગયેલા તાડ જેવો વધુ દેખાતો હતો.

"કુણને ગોતછે રે?" એ પૂછતું એનું મોં વિકરાળ હતું, પણ એના નમેલા શરીરે એ વિકરાળતામાં સુંવાળપ મૂકી.

"મા." બાળકે ફરીવાર મહામહેનતે એ શબ્દ ઉચ્ચાર્યો.

"તારી મા ! આમ્હીં? મદારીના લબાચામાં ? તારી માને મેં થોદી સંતાડી છે ? હું ચોરું તો છોકરાં ચોરું. તારી મા જેવડી માને ચોરીને ક્યાં છુપાવું, ગમાર?"

"મા."

"તારી મા? આ મારી રતનબાઈ તારી મા છે? તું તો વાંદરું નથી, ભાઈ ! તેમ તું રીંછડુંય નથી! આ મારી હેડમ્બા રીંછણ તારી મા છે? હેં હેડંબા?"

એમ કહેતો એ માણસ પોતાની પાસે લપાઇને બેઠેલી કાળી આકૃતિ તરફ વળ્યો. " તું વળી કારે માણસનું ઘર માંડવા પોગી ગઈ'તી? આ તારો છોકરો છે?"

"ઘે-ઘે-ઘે-ઘે-" એ લાંબી પડેલી કાળી આકૃતિએ પોતાના આ અપમાન સામે વાંધો ઉઠાવ્યો.

"હે-હે-હે-!" માનવી હસ્યો..."લે, સાંભળ ટાબરિયા! રીંછણ પણ કહે છે કે એ તારી મા નથી. ત્યારે કુણ તારી મા છે આંહી?"

"મા-આ-આ-" છોકરો રડ્યો.

"કુણ...હું ? હું તારી મા ? મારી કૂખ વળી ક્યારે ફાટી'થી, છોરા ? મને થાપ દેવા આયે સે થું ? હું કાંઈ બેવકૂફ નથી. હું પાગલ નથી. હાં, હું તો હકીમ છું હકીમો તો બીજાને પાગલ બનાવે. તારા બાપને, તારા બાપના બાપને, તારી સાત પેઢી માયલા કોઈને કોઈ હકીમે -વૈદે પાગલ નથી બનાવ્યો કે?"