પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૧
વસુંધરાના વહાલાં-દવલાં
 

પોતે ત્રણ-ચાર વાટકા પાણી પીને પોતાના ભૂખ્યા પેટને ઠગી લીધું ને એક વાટકો છોકરાને માટે ભરી લઈ આવ્યો.

છોકરો ઝોલે ગયો હતો. એણે અરધી ઊંઘમાં ને ઊંઘમાં પાણી પીધું ને પછી એ ઢળી પડ્યો.

ટાઢો પવન ઝપાટા મારતો હતો. પાછલી રાત રોગોયલ ઠંડીના માનવભક્ષી મંત્રો જાણે કે જગત પર છાંટતી હતી. ગામનાં કૂતરાંના રુદન-સ્વરો પવનમાંથી ગળાઇને આવતા હતા. એ સ્વરો સાંભળીને મદારીનાં વાંદરાં ને રીંછણ વારેવારે ચમકતાં હતાં. બે ખેતરવા આઘી પડેલી કાપડ-મિલના ચોકિયાતો ખોંખારા મારતા ચોકીનો ડોળ કરી મિલનું કાપડ ચોરતા હતા.

ડોસાએ શરીર લંબાવ્યું. પાછું કાંઈક સાંભરી આવ્યું એટલે એ ઊઠ્યો. છોકરાનાં ઊંઘતા શરીરને ઉઠાવીને એ રીંછણ પાસે લઈ ગયો. કહ્યું :

"હેડંબા!"

રીંછણે જવાબમાં ઘુરકાટ કર્યો.

"જાગછ?"

બીજો ઘુરકાટ.

"આ આફતને તું તારી ગોદમાં સાચવ ને, બાઈ ! આ ટાઢમાં ઠૂંઠવાઈ રે'શે."

ત્રીજો પ્રેમાળ ઘુરકાટ.

ડોસાએ છોકરાને રીંછણની ગોદમાં મૂક્યો.

ફરી સૂઈને ફરી પાછો ડોસો ઊઠ્યો.

"હેડંબા!"

હેડંબા ઘૂરકી.

"મને બેવકૂફને યાદ આવ્યું. આપણાથી આંહીં પડી ન રે'વાય. સવાર પડશે તો કમબખ્ત છોકરાની ગોત થશે ને મને ફુલેસ ઊંચો ટાંગી હેઠ બળતું કરશે. હાલો, આ કમબખ્તે એક તો મને લાંઘણ કરાવી છે, ને ઉપર જાતો હવે મને પંથ કરાવશે."